શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ માટે અક્ષર પટેલ

બેંગલુરુઃ અહીં 12 માર્ચથી શ્રીલંકા સામે રમાનાર બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચ, જે ડે-નાઈટ હશે, તે માટેની ભારતીય ટીમમાં બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. અક્ષરે સ્વસ્થતા પ્રાપ્ત કરવાનો સમયગાળો પૂરો કરી લીધો છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમે એને સ્વસ્થ જાહેર કરી દીધો છે. 18-સભ્યોની ટીમમાં અક્ષરે સ્પિનર કુલદીપ યાદવનું સ્થાન લીધું છે.

 

બીજી ટેસ્ટમાં જો કેપ્ટન રોહિત શર્મા ત્રણ-સ્પિનરનું આક્રમણ ચાલુ રાખવાનું પસંદ કરશે તો ઈલેવનમાં ડાબોડી સ્પિનર અક્ષરનો ઉમેરો કરવામાં આવશે. અન્ય બે સ્પિનર છે – ઓફ્ફ સ્પિનર આર. અશ્વિન અને ડાબોડી રવિન્દ્ર જાડેજા. અક્ષરે તેની પહેલી પાંચ ટેસ્ટ મેચમાં 11.86ની સરેરાશ સાથે 36 વિકેટ ઝડપી બતાવી છે. અક્ષરને કદાચ જયંત યાદવની જગ્યાએ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે. યાદવે મોહાલીમાંની પહેલી ટેસ્ટ મેચમાં બંને દાવમાં બોલિંગ કરી હતી, પણ એકેય વિકેટ લીધી નહોતી. અશ્વિન અને જાડેજા છવાઈ ગયા હતા. બે-મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ ભારત એક દાવ અને 222 રનથી જીત્યું હતું.