કોહલી ક્લીન બોલ્ડ અને રશીદનું ટેસ્ટ ટીમમાં કમબેક

ઈંગ્લેન્ડના પ્રવાસમાં ભારતીય ટીમ ટ્વેન્ટી-20 સિરીઝ 2-1થી જીત્યા બાદ વન-ડે સિરીઝ 1-2થી હારી ગઈ. હવે મુકાબલો છે પાંચ-મેચોની ટેસ્ટ સિરીઝમાં. ભારતના ડાબોડી ચાઈનામેન બોલર કુલદીપ યાદવથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ સંભાળવું પડશે એ વિશે બોલાઈ રહ્યું છે, લખાઈ રહ્યું છે ત્યારે ઈંગ્લેન્ડના પસંદગીકારોએ પણ વળતો પ્રહાર કર્યો છે. એમણે લેગસ્પિનર આદિલ રશીદને ટેસ્ટ ટીમમાં સામેલ કરીને ભારતીયોને ચેતવી દીધા છે.

કહેવાય છે કે રશીદે હેડિંગ્લીમાં ત્રીજી અને સિરીઝની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીને ક્લીન બોલ્ડ કરીને જે સનસનાટી ફેલાવી દીધી હતી એનાથી ઈંગ્લેન્ડના પસંદગીકારો, ખાસ કરીને પસંદગી સમિતિના ચેરમેન એડ સ્મિથ રશીદથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને એમણે રશીદને ટેસ્ટ મેચોમાં ન રમવાના એના નિર્ણયને બદલવા સમજાવ્યો હતો.

આદિલ ઉસ્માન રશીદ લેગસ્પિનર તરીકે ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં યોર્કશાયર ક્રિકેટ ક્લબ વતી કરારબદ્ધ છે. જોકે એ ટીમ વતી માત્ર સફેદ બોલવાળી મેચોમાં જ રમવાનું રશીદે નક્કી કર્યું છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં એણે એવી જાહેરાત કરી હતી કે પોતે લાલ બોલથી નહીં રમે, એટલે કે ચાર કે પાંચ દિવસવાળી મેચોમાં નહીં રમે અને માત્ર સફેદ બોલવાળી મર્યાદિત ઓવરોવાળી મેચોમાં જ રમશે, પરંતુ હવે એણે નિર્ણય બદલ્યો છે અને ભારત સામે આગામી ટેસ્ટ શ્રેણીની 1 ઓગસ્ટથી એજબેસ્ટન (બર્મિંઘમ)માં શરૂ થનાર પહેલી મેચમાં રમવા એ તૈયાર થયો છે.

30 વર્ષના જમણેરી લેગસ્પિનર રશીદે કહ્યું છે કે પહેલી ટેસ્ટ માટે 13-ખેલાડીઓની ઈંગ્લિશ ટીમમાં પસંદગી કરાતા મને આશ્ચર્ય થયું હતું.

રશીદને ટીમમાં સામેલ કરાયો છે એની ઈંગ્લેન્ડમાં ટીકા થઈ છે. ઘણાયનું કહેવું છે કે ટેસ્ટ મેચોમાં ન રમવાનો રશીદનો નિર્ણય અંગત સ્વાર્થવાળો હતો.

રશીદ અત્યાર સુધીમાં 10 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે, પણ એ બધી ટેસ્ટ વિદેશની ધરતી પર રમ્યો છે. એ તેની છેલ્લી ટેસ્ટ 18 મહિના પહેલાં 2016ના ડિસેંબરમાં ભારત સામે રમ્યો હતો. એ ટેસ્ટ ચેન્નાઈમાં રમાઈ હતી. 2016માં, ભારતમાં ઈંગ્લેન્ડે રમેલી પાંચ ટેસ્ટ મેચોમાં રશીદે 23 વિકેટ લીધી હતી. કુલ 10 ટેસ્ટ મેચોમાં એ 38 વિકેટ લઈ ચૂક્યો છે.

રશીદે ભારત સામેની ગત્ વન-ડે સિરીઝમાં સારો દેખાવ કરતાં ઈંગ્લેન્ડના પસંદગીકારો એને ટેસ્ટ ટીમમાં સામેલ કરવા પ્રેરિત થયા છે. રશીદે વન-ડે મેચોમાં ભારતના બેટ્સમેનોને બહુ તંગ કર્યા હતા. હેડિંગ્લી ખાતેની મેચમાં એણે કેપ્ટન વિરાટ કોહલીને કમાલનો લેગસ્પિન બોલ નાખીને બોલ્ડ કર્યો હતો. કોહલી એની સમગ્ર વન-ડે અને ટેસ્ટ કારકિર્દીમાં એ પહેલી જ વાર કોઈ લેગસ્પિનરની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

રશીદે કહ્યું છે કે રાષ્ટ્રીય પસંદગીકાર એડ સ્મિથ પોતાને ટેસ્ટ ટીમમાં પસંદ કરશે એવી એને આશા નહોતી. પરંતુ હવે જ્યારે સ્મિથે પસંદ કર્યો છે ત્યારે ટેસ્ટ મેચમાં પણ તક મળશે તો સારો દેખાવ કરવા પ્રતિબદ્ધ છે એવું રશીદે કહ્યું છે.

ભારત સામેની વન-ડે સિરીઝ પૂરી થયા બાદ રશીદ અને સ્મિથ વચ્ચે ચર્ચા થઈ હતી. સ્મિથે જ્યારે ટેસ્ટ ટીમમાં સામેલ થવા વિશે કહ્યું ત્યારે રશીદે કહ્યું હતું કે હું છેલ્લા થોડાક વખતથી લાલ બોલથી રમ્યો નથી, પરંતુ તક આપવાની તમારી ઈચ્છા હોય તો હું મારો નિર્ણય બદલવા તૈયાર છું, હું મારો શ્રેષ્ઠ દેખાવ કરવાનો પ્રયત્ન કરીશ.

રશીદનું કહેવું છે કે ટેસ્ટ ટીમમાં ફરી સ્થાન મેળવવા માટે કોઈ ખેલાડીએ એની કાઉન્ટીમાં પાછા જવું પડે અને ચાર-દિવસવાળી મેચોમાં રમીને એવો દેખાવ કરવો પડે કે ટેસ્ટ ટીમમાં એની પસંદગી થાય. પરંતુ એડ સ્મિથ તથા અન્યોને મારી પર બહુ ભરોસો મૂક્યો છે એટલે હું ચોક્કસપણે સારો દેખાવ કરીશ.

એજબેસ્ટન, બર્મિંઘમ ટેસ્ટ ઘરઆંગણે રશીદની પહેલી જ ટેસ્ટ મેચ હશે અને પુરુષ ક્રિકેટરોના ઈતિહાસમાં ઈંગ્લેન્ડની 1000મી ટેસ્ટ હશે.

યોર્કશાયર સાથે રશીદનો કોન્ટ્રાક્ટ પૂરો થવાને આરે છે. એ દસ વર્ષથી આ ટીમ વતી કાઉન્ટી ક્રિકેટ રમ્યો છે. પરંતુ જો એણે 2019માં ટેસ્ટ ક્રિકેટમાં રમવું હોય તો ચાર-દિવસવાળી મેચોની કાઉન્ટી ક્રિકેટમાં રમતા રહેવું પડશે અને એને યોર્કશાયર ટીમને છોડીને બીજે ક્યાંય જવું નથી. માટે એણે યોર્કશાયરના એક્ઝિક્યૂટિવ્સ સાથે ચર્ચા કરવી પડશે.

આ વર્ષમાં રમાઈ ગયેલી એશિઝ સિરીઝમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 5-0થી પરાજય આપ્યો હતો. એમાં રશીદે 30 વિકેટ લીધી હતી. ત્યારબાદ ઘરઆંગણે ભારત સામે તાજેતરની વન-ડે સિરીઝ, જે ઈંગ્લેન્ડ 2-1થી જીતી ગયું હતું, એમાં ત્રણ મેચમાં 6 વિકેટ લીધી હતી. એણે આ વર્ષના ઉનાળાની મોસમ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ભારત સામેની વન-ડે શ્રેણીઓમાં 23.95ની સરેરાશ સાથે કુલ 20 વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડ સામે ભારતની અન્ય ચાર ટેસ્ટ મેચ આ મુજબ રમાશેઃ લોર્ડ્સ (9 ઓગસ્ટથી), ટ્રેન્ટ બ્રિજ (18 ઓગસ્ટથી), ધ એજીસ બાઉલ (30 ઓગસ્ટથી) અને ધ ઓવલ (7 સપ્ટેંબરથી).

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]