મિત્ર-ABની સલાહ મળી, કોહલી કેપ્ટન-ઈનિંગ્ઝ રમી ગયો

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામેની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઝીરો પર આઉટ થઈ ગયા બાદ ટીકાનો સામનો કરનાર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગઈ કાલે બીજી T20I મેચમાં ફાંકડી ફટકાબાજી કરી, અણનમ 73 રનની કેપ્ટન ઈનિંગ્ઝ રમ્યો અને ભારત મેચ 7-વિકેટથી જીતી ગયું. પાંચ-મેચોની સિરીઝ આ સાથે 1-1થી બરોબર થઈ ગઈ છે. ત્રીજી મેચ આવતીકાલે આ જ મેદાન પર રમાશે. ગઈ કાલની મેચમાં કોહલીએ ટોસ જીતીને ઈંગ્લેન્ડના પહેલા બેટિંગ કરવા કહ્યું હતું. ઈંગ્લેન્ડની ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 6 વિકેટે 164 રનનો સ્કોર કર્યો હતો. કોઈ બેટ્સમેન હાફ સેન્ચૂરી કરી ન શક્યો, ઓપનર જેસન રોય 46 રન સાથે ટીમનો ટોપ સ્કોરર રહ્યો.

અસલી મજા ભારતના દાવમાં જોવા મળી. કારકિર્દીની પહેલી જ મેચ રમનાર પટનાનિવાસી ઓપનર ઈશાન કિશને માત્ર 32 બોલમાં 56 રન ઝૂડી કાઢ્યા હતા. જેમાં ચાર છગ્ગા અને પાંચ ચોગ્ગાનો સમાવેશ હતો. કે.એલ. રાહુલ ઝીરો પર આઉટ થયા બાદ કિશન અને કેપ્ટન કોહલીએ બીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી નોંધાવી હતી. કિશને પોતાની કારકિર્દીનો આમ ઝળહળતો આરંભ કર્યો. હાફ સેન્ચૂરી 28 બોલમાં પૂરી કરી હતી. વિકેટ પડ્યા બાદ કોહલીએ ગઢ છેવટ સુધી સાચવી રાખ્યો હતો. એણે કુલ 49 બોલનો સામનો કર્યો હતો અને 3 છગ્ગા, પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. એને સાથ મળ્યો હતો વિકેટકીપર રિષભ પંતનો (13 બોલમાં 26 રન, 2 છગ્ગા, 2 ચોગ્ગા). શ્રેયસ ઐયર 8 રન કરીને કોહલી સાથે નોટઆઉટ રહ્યો હતો. મેચ બાદ કોહલીએ કહ્યું કે, પોતાના 73-રનના સફળ દાવનો શ્રેય કોહલીએ તેના સાઉથ આફ્રિકન મિત્ર, બેટ્સમેન અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર આઈપીએલ ટીમના સાથી એબી ડી વિલિયર્સને આપ્યો છે, જેની પાસેથી એણે મેચ પૂર્વે સલાહ મેળવી હતી. ડી વિલિયર્સે એને કહ્યું હતું કે ‘તું માત્ર બોલ પર જ નજર રાખજે.’ કોહલીએ બરાબર એમ જ કર્યું અને સફળ થયો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]