સંવત 2081માં સ્મોલકેપ ફસક્યા, નિફ્ટીએ આપ્યું સિંગલ ડિજિટ રિટર્ન

અમદાવાદઃ સંવત 2081 ભારતીય શેરબજાર માટે ખાસ કરીને સ્મોલકેપ શેરોના દ્રષ્ટિકોણથી નિરાશાજનક રહ્યું. BSE સ્મોલકેપ ઇન્ડેક્સે છ વર્ષમાં પ્રથમ વખત નકારાત્મક રિટર્ન નોંધાવ્યું છે. સંવત 2081માં આ ઇન્ડેક્સ 3.1 ટકા ઘટ્યો છે. તેની સામે નિફ્ટી 50 અને BSE સેન્સેક્સે અનુક્રમે 6.3 ટકા અને 5.8 ટકા જેટલો નાનો વધારો નોંધાવ્યો છે. આ પહેલાં સંવત 2074 અને 2075માં સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે 15.5 ટકા અને 8.8 ટકા તૂટ્યો હતો.

મિડકેપ શેરોએ સ્થિતિ સંભાળી

BSE મિડકેપ ઇન્ડેક્સે આ વખતે એક ટકાનું નજીવું રિટર્ન આપ્યું છે. જોકે છેલ્લાં બે સંવત વર્ષોમાં તેમાં અનુક્રમે 41 ટકા અને 31 ટકાનો મોટો ઉછાળો નોંધાયો હતો. જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ગૌરાંગ શાહના જણાવ્યા મુજબ આ સંવતમાં રોકાણકારોનું ધ્યાન મોટે ભાગે લાર્જકેપ અને મિડકેપ શેરો પર રહ્યું. સ્મોલકેપ શેરો માટે સપ્ટેમ્બર, 2025ની ત્રિમાસિક (Q2 FY26) કમાણીનાં પરિણામો અત્યંત મહત્વપૂર્ણ રહેશે. જો આવકમાં સુધારો ચાલુ રહ્યો તો ચોક્કસ શેરો અને સેક્ટરોમાં તેજી જોવા મળી શકે છે.

DIIsએ વધાર્યું રોકાણ, FIIsએ ઉપાડ કર્યો

સંવત 2081માં સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ (DIIs) શેરબજારમાં આશરે રૂ. 4.7 લાખ કરોડનું રોકાણ કર્યું. જ્યારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ (FPIs) રૂ. 1.53 લાખ કરોડ પરત કર્યા. DIIsમાં મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપનીઓ, બેંકો, નાણાકીય સંસ્થાઓ અને પેન્શન ફંડ્સ સામેલ છે.

એલારા કેપિટલના અહેવાલ અનુસાર વિદેશી રોકાણકારોની ભારતીય ઇક્વિટી માર્કેટમાં હિસ્સો હજી ઐતિહાસિક સરેરાશથી ઓછો છે. નિફ્ટી 50માં FIIનો હિસ્સો ડિસેમ્બર, 2020ના 28 ટકામાંથી ઘટીને જૂન, 2025માં 25 ટકા થયો છે, જ્યારે નિફ્ટી 500માં તે 23 ટકામાંથી ઘટીને આશરે 20 ટકા પર આવી ગયો છે.

સેક્ટરોની વાત કરીએ તો ઓટોમોબાઇલ, મેટલ અને PSU બેન્કિંગ શેરોએ સતત ચોથા સંવતમાં સારું પ્રદર્શન કર્યું છે. સંવત 2081માં નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 16 ટકા, નિફ્ટી PSU બેન્ક ઇન્ડેક્સમાં 14 ટકા અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં 10 ટકાનો વધારો થયો. તેના વિપરીત નિફ્ટી IT, FMCG અને એનર્જી ઇન્ડેક્સમાં 8 ટકાથી 12 ટકા સુધીની ઘટાડો નોંધાયો હતો.