મુર્શિદાબાદ હિંસાની તપાસ માટે SITની રચના

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ પોલીસે મુર્શિદાબાદ જિલ્લામાં તાજેતરમાં થયેલી હિંસાની ઘટનાઓની તપાસ માટે નવ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. નવા વકફ કાયદા વિરુદ્ધ મુર્શિદાબાદ જિલ્લામાં ગયા સપ્તાહે થયેલી હિંસામાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયાં છે.

SITમાં એક વધારાના પોલીસ અધિકારી (ગુપ્તચર શાખા), બે ડેપ્યુટી એસપી – એક કાઉન્ટર ઇન્સર્જન્સી ફોર્સ (CIF)માંથી અને બીજો ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)માંથી તેમ જ પાંચ ઇન્સ્પેક્ટરો (જેમાથી ચાર CIDમાંથી અને એક ટ્રાફિક પોલીસમાંથી) અને સુંદરબન પોલીસ જિલ્લા અંતર્ગત સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જનો સમાવેશ થાય છે.

પશ્ચિમ બંગાળ અલ્પસંખ્યક પંચના અધ્યક્ષ અહમદ હસન ઈમરાને બુધવારે હિંસાની નિંદા કરતાં જણાવ્યું હતું કે મમતા બેનર્જીએ ખૂબ સારી વાત કહી હતી કે આપણે દિલ્હી જવું જોઈએ અને ત્યાં (વકફ સંશોધન અધિનિયમ વિરુદ્ધ) વિરોધ પ્રદર્શન કરવું જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે TMCના સાંસદો પણ અમારી સાથે આ વિરોધમાં જોડાશે. આ અધિનિયમ અમારી પર અનાવશ્યક રીતે થોપવામાં આવ્યો છે. આ અધિનિયમ વિરુદ્ધ હિંસક વિરોધ યોગ્ય નથી. CM મમતા બેનર્જીએ પણ કહ્યું છે કે એવું કરવું યોગ્ય નથી. આ બાબતમાં તપાસ ચાલુ છે. અમે આ હિંસાની નિંદા કરીએ છીએ. આપણું માનવું છે કે વિરોધ શાંતિપૂર્ણ હોવો જોઈએ.

આ પહેલાં, પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જીએ કોલકાતામાં મુસ્લિમ ધાર્મિક આગેવાનો સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન તેમણે મુર્શિદાબાદ હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે મુર્શિદાબાદ હિંસા મામલે અત્યાર સુધીમાં 150 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સમશેરગંજ, ધુલિયાન અને અન્ય પ્રભાવિત વિસ્તારોમાં પૂરતા પોલીસ દળની તહેનાતી કરવામાં આવી છે.