ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે ‘ સ્વચ્છતા હી સેવા ‘ ઝુંબેશ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી ખાતે એક તારીખે એક કલાક સ્વચ્છતા સમય અને શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એન.એસ.એસ વિભાગ દ્વારા યુનિવર્સિટી સેનેટ હોલથી લઇને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર પ્રવેશ દ્વાર સુધી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.
આ રેલીનું પ્રસ્થાન ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નીરજા ગુપ્તા દ્વારા કરવામાં આવ્યુ હતું. સ્વચ્છતાની આ ઝુંબેશમાં ગુજરાત સરકારના એન.એસ.એસ રિજિયોનલ ડાયરેક્ટર ડો.કમલ કુમાર, કુલસચિવ પી.એમ.પટેલ, એન .એસ.એસ સંયોજક ડો.નટુભાઈ વર્મા, કા. ગ્રંથપાલ ડો.યોગેશ પારેખ અને એન.એસ.એસના પ્રોગામ ઓફિસરો પણ જોડાયા હતા.
સ્વચ્છતા ઝૂંબેશના આ કાર્યક્રમ વેળાએ કુલપતિએ સંબોધન કરતાં કહ્યું કે, એન.એસ..એસના કેડેટસ તરીકે વિદ્યાર્થીકાળ દરમિયાન સેવાઓમાં હું પણ જોડાયેલ હતી. એન.એસ.એસ એ સમાજ સેવા સાથે જોડાયેલું અભિન્ન ઘટક છે. એની એક આગવી જ વિરાસત અને અસ્મિતા છે. તાજેતરમાં જ રાષ્ટ્રપતિનાં વરદહસ્તે ગુજરાત યુનિવર્સિટીના એન.એસ એસનાં કેડેટસને એવોર્ડ એનાયત થયેલ છે. જે એન.એસ.એસ સાથે ગુજરાત યુનિવર્સિટી માટે પણ ગૌરવની બાબત છે.
આ રેલીમાં સહભાગી વિદ્યાર્થીઓ એન.એસ.એસના કેડેટસ દ્વારા ગુજરાત યુનિવર્સિટી પરિસરથી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સુધી જતા માર્ગ પરના પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવા સાથે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ ડો.યોગેશ આર પારેખ દ્વારા સ્વચ્છતાના અંગે તેમજ પંચપ્રણ અંગે શપથ લેવડાવાવામાં આવ્યા હતા. વિદ્યાર્થીકાળમાં જ સ્વચ્છતાના ગુણ કેળવવામાં આવે ત્યારે સમગ્ર જીવન કાળ દરમિયાન સમાજની આસપાસની ગંદકી દુર કરી શકવાની માનસિકતા કેળવાય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ )
