શશિ થરૂરે ઈમર્જન્સીને મુદ્દે કોંગ્રેસને નિશાના પર લીધી

નવી દિલ્હીઃ આજે પચાસ વર્ષ પહેલાં દેશે એવો એક કાળઝાળ સમય જોયો હતો જેને ભારતીય લોકશાહીનો સૌથી કાળો અધ્યાય માનવામાં આવે છે,  તે હતો ઈમર્જન્સીનો સમયગાળો. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પોતાની જ પાર્ટી પર આ મુદ્દે પ્રહારો કર્યા છે. તેમણે બળજબરીથી કરાવેલી નસબંધી અંગે કોંગ્રેસની આકરી ટીકા કરી છે.

મલયાલમ અખબાર ‘દીપિકા’માં ગુરુવારે પ્રકાશિત થયેલા લેખમાં શશિ થરૂરે ખુલ્લેઆમ જણાવ્યું હતું કે ઈમર્જન્સીને માત્ર ઇતિહાસની એક ભૂલ તરીકે ભુલાવી દેવી યોગ્ય નથી, પરંતુ તેને એક પાઠ તરીકે યાદ રાખવો જોઈએ. તેમણે લખ્યું હતું કે ઇન્દિરા ગાંધીની સરકારે 1975થી 1977ની વચ્ચે શિસ્ત અને વ્યવસ્થા નામે જે કર્યું તે ઘણી વખતે નિર્મમતા સુધી પહોંચી ગયું. તેનું સૌથી બદનામ ઉદાહરણ છે – બળજબરીથી કરાવેલી નસબંધી.

લોકોને બળજબરીથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને તેમની મરજી વિના ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. શશિ થરૂરે ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તે સમયગાળામાં સંજય ગાંધીના નેતૃત્વમાં નસબંધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં ગરીબ લોકોને બળજબરીથી પકડીને તેમની નસબંધી કરી દેવામાં આવતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી તંત્રને નિશ્ચિત લક્ષ્યાંક પૂર્ણ કરવો પડતો હતો અને માટે બળ પ્રયોગ અને ડરનો માહોલ ઊભો કરવામાં આવતો. લોકોને બળજબરીથી હોસ્પિટલ લઈ જવામાં આવતા અને તેમની મરજી વિના ઓપરેશન થઈ જતા.

થરૂરે કહ્યું હતું કે દિલ્હીમાં ઝૂંપડપટ્ટીઓ કોઈ પણ વિકલ્પ આપ્યા વિના હટાવી દેવામાં આવી. હજારો લોકો એક જ રાતમાં બેઘર થઈ ગયા અને તેમની કોઈ ચર્ચા પણ ન થઈ. આ બધું ‘સફાઈ અભિયાન’ અને ‘શહેર સુધારણા’ના નામે યોગ્ય ઠેરવવામાં આવ્યું, જ્યારે હકીકતમાં તે સત્તાનો દુરુપયોગ હતો.