રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એસપી) ના વડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારને ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને મુંબઈ સ્થિત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે, જ્યાં તેમના વધુ તબીબી પરીક્ષણો અને તપાસ હાથ ધરવામાં આવશે. આ અંગેની જાણકારી તેમના પુત્રી અને બારામતીના લોકસભા સાંસદ સુપ્રિયા સુલે દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવી હતી. લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ શરદ પવારના સ્વાસ્થ્ય અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર માહિતી આપતા લખ્યું હતું કે, “અમે બાબાને આગળના તબીબી પરીક્ષણો માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરી રહ્યા છીએ. આપ સૌની ચિંતા અને શુભકામનાઓ માટે આભાર.”

રૂબી હોલ ક્લિનિકમાંથી મળ્યું હતું ડિસ્ચાર્જ
આ અગાઉ શરદ પવારને ઉધરસ અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ 2 નવેમ્બરના રોજ ‘રૂબી હોલ ક્લિનિક’માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને આજે (4 નવેમ્બર) ના રોજ જ રજા આપવામાં આવી હતી. ત્યાંના તબીબોએ તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હતી. જોકે, ડિસ્ચાર્જ મળ્યાના ગણતરીના કલાકોમાં જ તેમને વધુ તપાસ માટે મુંબઈની હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે.




