અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘરેલુ શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. વૈશ્વિક ટેન્શન, ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઝડપી ઉછાળો અને રોકાણકારોની અનિશ્ચિત પરિસ્થિતને કારણે વધતી ચિંતાએ બજારમાં વેચવાલી ફરી વળી હતી. રોકાણકારોની સંપત્તિમાં 8.5 લાખ કરોડનો ઘટાડો થયો હતો. 
BSE સેન્સેક્સ 1352.74 પોઇન્ટ ઘટીને 77,556.16ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટી 50 પણ 422.40 અંક એટલે કે 1.73 ટકા તૂટીને 24,028.05ના સ્તરે બંધ થયો. નિફ્ટી 50માં ઘટાડો વ્યાપક રહ્યો. 50માંથી 42 શેર ઘટાડા સાથે બંધ થયા હતા, જ્યારે માત્ર 8 શેરમાં વધારો જોવા મળ્યો હતો.
રેકોર્ડ સ્તરથી 10 ટકા કરતાં વધુ નીચે આવ્યો નિફ્ટી
તાજેતરના ઘટાડા પછી નિફ્ટી પોતાના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી ઘણો નીચે આવી ગયો છે. નિફ્ટીએ 5 જાન્યુઆરીએ 26,373નું રેકોર્ડ સ્તર બનાવ્યું હતું. હવે આ સ્તરથી તે 10 ટકા કરતાં વધુ ઘટી ગયો છે, જેના કારણે બજાર ટેક્નિકલી કરેકશન ઝોનમાં પહોંચી ગયું છે.
બધા સેક્ટર નરમ, PSU બેંક ઇન્ડેક્સ સૌથી વધુ તૂટ્યો
સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો સોમવારે લગભગ બધા સેક્ટર ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો અને તે લગભગ 5થી 6 ટકા સુધી તૂટ્યો. આ ઉપરાંત ઓટો, મેટલ, રિયલ્ટી અને પ્રાઇવેટ બેંક સેક્ટરમાં પણ 3થી 4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ દબાણ
બજારમાં આવેલા ઘટાડાની અસર વ્યાપક બજાર પર પણ જોવા મળી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી અને ઘણા શેરોમાં 2થી 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો. આથી સ્પષ્ટ થાય છે કે બજારમાં કમજોરી માત્ર મોટા શેરો સુધી સીમિત રહી નથી, પરંતુ આખા બજારમાં દબાણ જોવા મળ્યું.
વૈશ્વિક તણાવ અને તેલની કિંમતોને કારણે ચિંતા વધી
બજારમાં ઘટાડાનું સૌથી મોટું કારણ વૈશ્વિક તણાવ અને ક્રૂડની કિંમતોમાં તેજી રહ્યું. અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 112 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું. જેના કારણે વૈશ્વિક અર્થતંત્રો અને સપ્લાય ચેઇન અંગે ચિંતા વધી છે અને તેનો પ્રભાવ શેરબજારો પર પણ જોવા મળી રહ્યો છે.




