અમદાવાદઃ સતત ત્રણ દિવસના ઘટાડા પછી શેરબજારમાં સુધારો થયો હતો. જેશી સેન્સેક્સ 1100 પોઇન્ટ વધ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ફરી એક વાર 22,500ને પાર થયો હતો. નિફ્ટીના બધા 13 મુખ્ય સેક્ટોરલ ઇન્ડેક્સ પણ બે ટકાથી વધુ વધ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સેન્ટિમેન્ટ સુધર્યું હતું. રોકાણકારોની સંપત્તિમાં 7.50 લાખ કરોડનો વધારો થયો હતો.
શેરબજારો સામે હજી પણ ટ્રેડ વોર અને વૈશ્વિક મંદી જેવા પડકારો ઊભા છે. જોકે વેચાણો કપાતાં શેરોમાં સુધારો થયો હતો. જોકે હજી શોર્ટ ટર્મ માટે અનિશ્ચિતતાનો માહોલ જારી રહી શકે છે. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 1089.18 પોઇન્ટ ઊછળી 74,227.08ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 374.25 પોઇન્ટ ઊછળી 22,535.85ના સ્તરે બંધ થયો હતો.
એક્સિસ સિક્યોરિટીઝના ટેક્નિકલ અને ડેરિવેટિવ રિસર્ચ હેડ રાજેશ પાલવિયાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ટેરિફ વોરમાં અન્ય દેશો પગલાં ભરી રહ્યાં છે, ત્યં સુધી અનિશ્ચિતતા દૂર નહીં થાય. એપ્રિલમાં કેશ માર્કેટમાં અત્યાર સુધી રૂ. 22,700 કરોડનું ઇક્વિટીમાં વેચાણ કર્યું હતું.તેમણે ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદ્યા છે, એના કરતાં ઘણા વેચ્યા છે. હજી પણ વોલેટિલિટી ઇન્ડેક્સ 60 ટકા વધ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ એ હજી ઘણા ઊંચા સ્તરે છે અને બજારમાં ઘણા ઉતારચઢાવના સંકેતો આપી રહ્યો છે.
BSE પર કુલ 4083 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 3092 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 872 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 119 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 251 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 184 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા.
