અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર લાદેલા વધારાના ટેરિફને હંગામી સમય માટે અટકાવતાં ઘરેલુ શેરબજારમાં ફરી તેજીની આગેકૂચ થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5 ટકાથી વધુની તેજી થઈ હતી. નિફ્ટી આશરે એક મહિનાના ઉપરના સ્તરે બંધ થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.7 લાખ કરોડનો વધારો થયો હતો.
વ્હાઇટ હાઉસે કેનેડા અને મેક્સિકોથી આયાત થતા માલસામાન પર વધારાના 25 ટકા અને ચીનથી આયાત થતા માલસામાન પર 10 ટકા ડ્યુટી લગાવવાનો નિર્ણય કર્યો હતો, જેનાથી વૈશ્વિક ટ્રેડ વોરનું જોખમ ઊભું થયું હતું, પણ હવે આ નિર્ણયમાં વિલંબને પગલે બજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.
દેશનું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર મજબૂત થઈ HSBC ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ PMI ઇન્ડેક્સ જાન્યુઆરીમાં વધીને 57.7એ પહોંચ્યું હતું. આ સિવાય જાન્યુઆરીમાં GST કલેક્શન પણ રૂ. 1.92 લાખ કરોડની સાથે નવ મહિનાના મહત્તમ સ્તરે પહોંચ્યું હતું. આ ઉપરાંત નાણાપ્રધાને બજેટમાં મધ્યમ વર્ગ માટે રૂ. 12 લાખની આવક સુધી આવક પર ઇન્કમ ટેક્સ ફ્રી કરવાથી રોકાણકારો વિશ્વાસ ફરી એક વાર પરત ફર્યો હતો. જેથી સેન્સેક્સ 1397 પોઇન્ટ ઊછળી 78,584ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 378 પોઇન્ટ ઊછળી 23,739 અને નિફ્ટી બેન્ક 947 પોઇન્ટ વધીને 50,158ના મથાળે બંધ આવ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ 825 પોઇન્ટની તેજી સાથે 53,814ના સ્તર બંધ થયો હતો. નિફ્ટી ઇન્ફ્રામાં પણ બે ટકાની તેજી થઈ હતી.
આ સાથે ફોરેક્સ બજારમાં ડોલર સામે રૂપિયો પણ મજબૂત થયો હતો. BSE એક્સચેન્જ પર કુલ 4073 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2511 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1407 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 155 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 66 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 84 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.