અમદાવાદઃ વૈશ્વિક બજારોથી પોઝિટિવ સંકેતોને પગલે ઘરેલુ શેરબજારોમાં સતત સાતમાં ટ્રેડિંગ સેશનમાં તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ ફરી એક વાર 80,000ને પાર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 24,300ને પાર બંધ થયો હતો. HCL ટેકની આગેવાનીમાં IT ઇન્ડેક્સમાં આશરે ચાર ટકાની તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં ત્રણ લાખ કરોડનો વધારો થયો હતો.
અમેરિકા અને ચીનની વચ્ચે ટ્રેડ વોર ઓછું થવાના સંકેતોથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. ટ્રમ્પે ચીન પર ટેરિફ ઘટાડવાના સંકેત આપ્યા છે. તેમણે ફેડરણ રિઝર્વના ચીફને નહીં હટાવવાની વાત કહી છએ. એનાથી અમેરિકી અને યુરોપિયન બજારોમાં પણ તેજી થઈ હતી. સ્થાનિક બજારોમાં સેન્સેક્સ 521 પોઇન્ટ ઊછળી 80,116ના મથાળે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 162 પોઇન્ટ ઊછળી 24,329એ પહોંચ્યો હતો.નિફ્ટી બેન્ક 277 પોઇન્ટ ઘટીને 55,370 પર બંધ થયો હતો, જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 644 પોઇન્ટ ઊછળી 55,041એ બંધ થયો હતો.
વિદેશી રોકાણકારો (FIIs)એ પસંદગીના શેરોની લેવાલી કાઢી હતી. FII છેલ્લાં પાંચ ટ્રેડિંગ સેશનમાં ચોખ્ખા લેવાલ રહ્યા હતા. તેમણે રૂ. 1290 કરોડના શેર ખરીદ્યા હતા.
BSE પર કુલ 4106 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 20896 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1866 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 151 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 81 શેરોએ નવી 25 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 33 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 320 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 167 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
