ઇઝરાયેલ-ઇરાન વચ્ચે સંઘર્ષને લીધે સેન્સેક્સ 570 તૂટ્યો

અમદાવાદઃ ઇઝરાયેલ-ઇરાન વચ્ચે ફરી ટેન્શનને લીધે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ થયું હતું. જેથી સેન્સેક્સ અને નિફ્ટી 0.5 ટકાથી વધુ ઘટ્યા હતા. જોકે મિડકેપ, સ્મોલકેપમાં રિકવરી મળી હતી. નિફ્ટી બેન્કમાં આશરે એક ટકાનો ઘટાડો થયો હતો. FMCG. બેન્કિંગ, મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. રોકાણકારો રૂ. 2.10 લાખ કરોડ ડૂબ્યા હતા.

ઇઝરાયેલે શુક્રવારે ઇરાન પર હુમલો કર્યો હતો. ઇઝરાયેલી PM બેન્જામિન નેતાન્યાહુના જણાવ્યા મુજબ આ અભિયાનમાં ઇરાનના ન્યુક્લિયર પ્રોગ્રામના મુખ્ય ભાગને નિશાન બનાવવામાં આવ્યો છે. બીજી બાજુ રશિયા અને યુક્રેનની વચ્ચે ટેન્શન જારી છે અને હાલમાં એ ઔર વધી ગયું છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ ટેન્શન મધ્ય પૂર્વમાં એક મોટા સંઘર્ષમાં ફેરવાઈ શકે છે. ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થતાં ક્રૂડ ઓઇલમાં વધારો થવાની ભીતિ પણ છે. બ્રેન્ટ ઓઇલની કિંમતોમાં 13 ટકાનો ઉછાળો આવતાં એનો ભાવ પ્રતિ બેરલ 75 ડોલરે પહોંચ્યો હતો. જેને પગલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ભાવમાં વેચવાલી ફરી વળી હતી. ક્રૂડ ઓઇલમાં વધારો એ દેશની નાણાકીય ખાધ માટે સારા સમાચાર નથી, કેમ કે એમાં વધારો થવાની દહેશત છે. એ સાથે ફરી મોંઘવારીમાં પણ વધારો થવાની શક્યતા છે. ટ્રેડિંગ સેશનને અંતે  સેન્સેક્સ 573 પોઇન્ટ ઘટીને 81,118 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 170 પોઇન્ટ તૂટીને 24,718ના મથાળે બંધ થયો હતો.

BSE પર કુલ 4122 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1538 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2451 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 133 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 80 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 57 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 211 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 207 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.