શ્રી દિલ્હી ગુજરાતી સમાજ દ્વારા વરિષ્ઠ નાગરિક સન્માન સમારોહનું આયોજન

દિલ્હી: શ્રી દિલ્હી ગુજરાતી સમાજ વડીલ પરિવાર દ્વારા રવિવારે એક વિશિષ્ઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા નૃત્યગુરૂ, પ્રસિદ્ધ લેખિકા અને કેન્દ્રીય સંગીત નાટક અકાદમીનાં અધ્યક્ષ ડો. સંધ્યા પુરેચા મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. ડો. સંધ્યા પુરેચાએ જણાવ્યું હતું કે, “આજના સમયમાં જ્યારે દેશ અને દુનિયામાં સંયુક્ત કુટુંબની ભાવના વિલુપ્ત થતી જાય છે, ત્યારે શ્રી દિલ્હી ગુજરાતી સમાજ સંસ્થા વડીલોને પોતાના સ્વજનો તરીકે સાચવી રહી છે તે અત્યંત ઉમદા અને પ્રશંસનીય કાર્ય છે.” આ પ્રસંગે ડો. પુરેચાએ સન્માનિત વડીલોની પરિચય પુસ્તિકા ‘દર્શિકા’નું વિમોચન કર્યું હતું.

શ્રી સમાજના પ્રમુખ સચિન શાહે જણાવ્યું, “વડીલ પરિવાર સંસ્થા આજના સમારંભ સાથે અત્યાર સુધીંમાં દિલ્હીના 245 વડીલોને સન્માનિત કર્યા છે. શ્રી દિલ્હી ગુજરાતી સમાજની સ્થાપના 1897માં થયેલી અને આરંભથી જ અહીં આબાલવૃદ્ધ સૌના માટે સાહિત્યિક-સાંસ્કૃતિક અને સુખાકારી આનંદપ્રમોદની અનેક પ્રવૃત્તિઓની પરંપરા રહી છે.”વડીલ પરિવારના અધ્યક્ષ હર્ષદ મહેતાએ જણાવ્યું, “વડીલ પરિવારની કાળજી અને તેઓના સુખ-દુઃખમાં સાથે રહેવાના સતત પ્રયત્નો સાથે વડીલો માટે અને તેઓની સાથે રહીને વર્ષભર અનેક પ્રવૃત્તિઓ યોજાય છે. જેમાં દેશ-વિદેશની મુસાફરી, પિકનિક, આરોગ્ય-તબીબી શિબિરો અને રમત-ગમત જેવી પ્રવૃત્તિઓ સામેલ છે.”આ સમારોહમાં જે વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું તેમાં અગ્રણી સમાજસેવી મહાનુભાવો વિનોદ પટેલ, રમેશ મહેતા, મહેન્દ્ર ભટ્ટ તથા લેખક નંદલાલ ગઢીયા સહિત અન્ય વડીલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં 94 વર્ષ સુધીના વડીલોએ પણ ઉત્સાહભેર સંગીતના તાલે નૃત્ય કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. આ સમારોહ વડીલો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરતું એક યાદગાર સંભારણું બની રહ્યું.આ પ્રસંગે શ્રી દિલ્હી ગુજરાતી સમાજના ટ્રસ્ટીઓ અરવિંદભાઈ પોપટ, પ્રફુલ દોશી, રાજેશ દવે, નિલેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓ પ્રેરણા દામાણી અને કુણાલ પટેલ, કોષાધ્યક્ષ જયેશ કોબાવાળા, વડીલ પરિવારના ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પટેલ, સન્માન સમારોહના સંયોજક વિરાટ શાહ અને સભ્યોમાં ગિરીશ બગડઈ, બકુલ વ્યાસ, તુષાર ઉપાધ્યાય, રોહિત વોરા, શાળા અધ્યક્ષ રાજકુમાર રાવલ અને શ્રી સમાજના પૂર્વ પ્રમુખ જગદીપ રાણા હાજર રહ્યા હતા.