ગુજરાતી મૂળના કાશ પટેલે FBIની કમાન સંભાળી

અમેરિકા: ગુજરાતી મૂળના કાશ પટેલે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જેના માટે તેમણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એટર્ની જનરલ પામ બોન્ડીનો આભાર માન્યો. તેમણે એજન્સીને પારદર્શક, જવાબદાર અને ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધ બનાવવાની પ્રતિજ્ઞા લીધી. આ ઉપરાંત FBIમાં જાહેર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા વિશે વાત કરી.

કાશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના 9મા ડિરેક્ટર તરીકે પુષ્ટિ મળવા બદલ હું સન્માનિત છું. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એટર્ની જનરલ બોન્ડીનો તેમના અતૂટ વિશ્વાસ અને સમર્થન બદલ આભાર. એફબીઆઈનો લાંબો વારસો છે. જી-મેનથી લઈને 9/11 પછી આપણા દેશનું રક્ષણ કરવા સુધી. અમેરિકન લોકો એવી FBIને લાયક છે જે પારદર્શક, જવાબદાર અને ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધ હોય. આપણી ન્યાય વ્યવસ્થાના રાજકીયકરણથી જનતાનો વિશ્વાસ ડગી ગયો છે. પણ તે આજે સમાપ્ત થાય છે.’

ઇતિહાસ રચ્યો

કાશ પટેલે ભારતીય મૂળના પ્રથમ FBI વડા બનીને ઈતિહાસ રચ્યો છે. તેમના નામને યુ.એસ. સેનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જો કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાંથી જ જાહેરાત કરી હતી કે તેઓ કાશ પટેલને FBI વડા બનાવશે.

કોણ છે કાશ પટેલ?

મૂળ ગુજરાતી 44 વર્ષીય કાશ પટેલનો જન્મ 25મી ફેબ્રુઆરી, 1980ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેમના માતા-પિતા ગુજરાતથી પૂર્વ આફ્રિકા ગયા હતા અને પછી ત્યાંથી કેનેડાના રસ્તે થઈને અમેરિકામાં સ્થાયી થયા હતા.