નવી દિલ્હીઃ ઝારખંડના બોકારો જિલ્લામાં સુરક્ષા દળો સાથે અથડામણમાં આઠ નક્સલી ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી અત્યાધુનિક હથિયાર પણ જપ્ત કર્યાં છે. આ એન્કાઉન્ટરમાં એક કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો માઓવાદી વિવેક પણ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી આઠ નક્સલીઓના મૃતદેહ મળ્યા છે. હજી અથડામણ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝારખંડના બોકારો જિલ્લામાં CRPFના કોબરા કમાન્ડો અને ઝારખંડ પોલીસના જોઇન્ટ ઓપરેશન દરમિયાન નક્સલીઓ સાથે અથડામણમાં આઠ નક્સલી ઠાર કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ અથડામણ જિલ્લામાં લાલપનિયા વિસ્તારના લુગુ હિલ્સમાં સવારે સાડાપાંચ વાગ્યે શરૂ થઇ હતી.
209 કમાન્ડો બટાલિયન ફોર રેજોલ્યૂટ એક્શન (કોબરા)ના જવાનોએ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં આઠ નક્સલીઓ ઠાર મારવામાં આવ્યા છે અને બે ઇન્સાસ રાઇફલ, એક ‘સેલ્ફ લોડિંગ રાઇફલ (SLR) અને એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અથડામણમાં કોઇ સુરક્ષા કર્મચારીના ઘાયલ થવાના સમાચાર નથી. કમાન્ડો બટાલિયન ફોર રેજોલ્યૂટ એક્શન (કોબરા) CRPFનું એક સ્પેશિયલ યુનિટ છે, જે ગુરિલ્લા અને જંગલ યુદ્ધ, ખાસ કરીને નક્સલી ખતરા સામે લડવા માટે જાણીતી છે.
ગૃહમંત્રી અમિત શાહે તમામ નક્સલીઓને જલદી સરેન્ડર કરવા અને મુખ્ય ધારામાં પરત ફરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર 31 માર્ચ, 2026 પહેલાં દેશને નક્સલવાદથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છે.
