માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધબી પુરી બુચના વિવાદોમાં શેરબજારની જેમ તેજીનો તરખાટ ચાલી રહ્યો છે. પાછલા કેટલાક સમયથી હિન્ડનબર્ગ, કોંગ્રેસ, સહકર્મચારીઓ સહિત માધબી પુરી બુચ ચોતરફા ફસાયા જેવી પરિસ્થિતી ઉદ્દભવી છે સેબીના કર્મચારીઓએ આજે સેબીના હેડ ક્વાર્ટર ખાતે માધબી વિરૂદ્ધ દેખાવો કર્યા હતા. તેમજ તેના ખરાબ વર્તનના કારણે રાજીનામું આપવાની માગ કરી હતી.
સેબી દ્વારા ગતરોજ બુધવારના દિવસે માધબી પુરી બુચના દુર્વ્યવહારનો દાવો ખોટો ઠેરાવ્યો હતો. જેની વિરૂદ્ધ આજે કર્મચારીઓએ દેખાવો કરી સંકેત આપ્યો હતો કે, “આ વિરોધ પ્રેસ કોન્ફરન્સની આડમાં સશસ્ત્ર સજ્જ ટોચના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવતી કવાયત સામે અસંમતિ અને એકતા દર્શાવવાના હેતુથી છે.” આજે મુંબઈમાં સેબીની ઓફિસ સમક્ષ 200 જેટલા કર્મચારીઓએ વિરોધ પ્રદશનો કર્યા હતા. સેબીના કર્મચારીઓએ થોડા કલાકો સુધી દેખાવો કર્યા બાદ પાછા ઓફિસમાં કામ પર લાગ્યા હતા. સેબીના કર્મચારીઓએ સેબી સમક્ષ તાત્કાલિક ધોરણે સેબીના કર્મચારીઓ વિરૂદ્ધ જુઠ્ઠાણુ ફેલાવી રહ્યા હોવાની પ્રેસ રિલિઝ પાછી ખેંચી લેવા અને માધબીનું રાજીનામું લેવા માગ કરી છે. સેબીના અધિકારીઓએ નાણા મંત્રાલય સમક્ષ ફરિયાદ કરી છે કે, માધબી પુરી બુચના નેતૃત્વ હેઠળ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર ખાતે ટોક્સિક વર્ક કલ્ચરનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં તેની ઉગ્ર ભાષા, કઠોર વચનો, અવાસ્તવિક લક્ષ્યો નક્કી કરવા અને માઈક્રોમેનેજિંગનું વધુ પ્રમાણ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
બીજી બાજુ પ્રેસ રિલિઝમાં સેબીએ જણાવ્યું હતું કે સેબીના વડા વિરૂદ્ધ કરવામાં આવેલા દાવાઓ ઊંચા પગાર ભથ્થાની માંગ અને હાંસલ કરેલા લક્ષ્યોની ખોટી જાણ તથા નિર્ણય લેવામાં વિલંબના કારણે થઈ રહ્યા છે. કેટલાક “બહારના તત્વો” એ તેના કર્મચારીઓને ઉશ્કેર્યા હતા કે તેમના પર કામગીરી અને જવાબદારીનું ઉચ્ચ ધોરણો સાથે પાલન કરવાનું દબાણ હોવુ જોઈએ નહીં. જો કે, સેબીએ આ બહારના તત્વો વિશે કોઈ માહિતી આપી નથી.