ડાંગ: ગિરિમથક સાપુતારા ખાતે 26 જુલાઈથી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2025’નો પ્રારંભ થયો. સમારોહ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વર્ષાઋતુની અસલી મજા, પ્રાકૃતિક સૌંદર્ય, સંસ્કૃતિ અને મનોરંજક કાર્યક્રમોની લિજ્જત માણવા પ્રવાસીઓ સાપુતારા પહોંચ્યા છે.તા.૧૭ ઓગસ્ટ સુધી દરરોજ નવા આકર્ષણ સાથે ચાલનારા આ મહોત્સવમાં એક ભારત, શ્રેષ્ઠ ભારત આધારિત પરેડ, સાંસ્કૃતિક અને સંગીત કોન્સર્ટ, ક્રાફટ અને આદિવાસી કલા વર્કશોપ, આઉટડોર અને સાહસિક પ્રવૃતિઓ, સ્થાનિક વ્યંજનો અને નેચર ટ્રેઈલ તેમજ રેઇન ડાન્સ અને સેલ્ફી પોઇન્ટ જેવાં આકર્ષણો સાથે ઉત્સવની શરૂઆત કરવામાં આવી.
મૂળુભાઇ બેરાએ આ પ્રાસંગે જણાવ્યું, આપના સૌના મનોરંજન માટે આ ફેસ્ટિવલમાં દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો, નવા-નવા આકર્ષણોનું આયોજન કરવામાં આવ્યું છે. સાપુતારાનો લેક ગાર્ડન, ગવર્નર હિલ, સનસેટ પોઇન્ટ જેવા રમણીય સ્થળો સાથે વારસો, વૈવિધ્ય અને સંસ્કૃતિના સમન્વય કરી આપ સૌ પ્રવાસીઓ માટે ભવ્ય આયોજનનો લાભ લો તેવી સૌને શુભેચ્છા.
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી તેમજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિ પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજર હતા. તેમણે જણાવ્યું કે સાપુતારા જેવું નાનકડું ગામ આજે વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે. સરકારે અહીંના આદિવાસી ભાઈઓ અને બહેનો માટે અનેકવિધ યોજનાઓ લાગુ પાડી છે તેમજ પ્રવાસીઓને આકર્ષવા કેટકેટલી સુવિધાઓ રજૂ કરી છે.
ઉદ્ઘાટન સમારોહની સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 13 રાજ્યના 110 કલાકારો સહિતનું નેશનલ એવોર્ડી કોરિયોગ્રાફી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેમજ સ્થાનિક કલાકારો દ્વારા ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
