મુંબઈ: બાબા સિદ્દીકીની હત્યા બાદ પોલીસ અને વહીવટીતંત્ર સલમાન ખાનની સુરક્ષાને લઈને વધુ સતર્ક બન્યું છે. કેમ કે સલમાન અને તેના પરિવારને છેલ્લાં એક વર્ષથી સતત પ્રત્યક્ષ અને પરોક્ષ ધમકીઓ મળી રહી છે. સલમાન ગેંગસ્ટર લોરેન્સ ગેંગના નિશાના પર છે. પરંતુ રાજકારણી અને સલમાન ખાનના નજીકના બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનને ફરી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ પછી તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને હવે સમાચાર મળી રહ્યા છે કે સલમાન પોતાની રીતે પણ પોતાની સુરક્ષામાં વધારો કરી રહ્યો છે.રિપોર્ટ અનુસાર, સલમાન ખાને બુલેટપ્રૂફ નિસાન પેટ્રોલ SUV ખરીદી છે. આ કાર ભારતીય બજારમાં ઉપલબ્ધ નથી, તેથી સલમાન તેને દુબઈથી આયાત કરાવી રહ્યો છે. કારની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે. આ સિવાય ભારતમાં કારની વહેલી ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે વધુ પૈસા ખર્ચવામાં આવશે.સલમાન ખાનની નવી નિસાન પેટ્રોલ SUVના સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો એમાં હાઇ સિક્યોરિટી ટૂલ્સ, એક્સપ્લોસિવ એલર્ટ ઇન્ડિકેટર, પોઈન્ટ-બ્લેંક બુલેટ શોટ રોકવા માટે જાડા ગ્લાસ શીલ્ડ અને ડ્રાઈવર અથવા મુસાફરની ઓળખ અટકાવવા માટે બ્લેક શેડ કેમફ્લેશ છે. એના દ્વારા કારમાં બેઠેલા ડ્રાઈવર કે મુસાફરને બહારથી કોઈ ઓળખી શકશે નહીં.