ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષ આપવામાં આવતા કચ્છી ભાષા ગૌરવ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાની અધ્યક્ષતામાં મળેલી સમિતિની બેઠકમાં જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2023 માટે બે કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે. કચ્છી ભાષાના સંવર્ધનમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ વિશ્રામ ગઢવીને સાહિત્ય ગૌરવ, તો ડો. પૂર્વી ગોસ્વામીને યુવા ગૌરવ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હોવાનું ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવે પાઠવેલી યાદીમાં જણાવાયું છે. કચ્છી ભાષાના પ્રથમ પંક્તિના ગદ્યકાર વિશ્રામ એમ. ગઢવી (મોટા લાયજા)એ કચ્છી સર્જક તરીકે પોતાના સર્જનો દ્વારા આગવી ઓળખ ઊભી કરી છે. તેમણે કચ્છી વાર્તાસંગ્રહ `ઓમાણ‘ કચ્છી લલિત નિબંધ સંગ્રહો `ખીરોલા‘ અને `માનીયારી‘ સહિત 15 જેટલા કચ્છી ગુજરાતી પુસ્તકનું સર્જન-પ્રકાશન કર્યું છે. તેમના પાંચ પુસ્તક સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યાં છે. કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ (સાહિત્યરત્ન) મુંબઇ-2024, બેનામ સંગીત-સાહિત્ય પારિતોષિક, તારામતી ગાલા કલા સાહિત્ય લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ-2022 સહિત અનેક માન અકરામ મેળવાના બે જાણીતા ઉદ્ઘોષક-વક્તા છે. તેમની નવલકથા રત જા રૂંગાના ગુજરાતી તથા હિન્દી અનુવાદ તથા ઓમાણ વાર્તા સંગ્રહનો અંગ્રેજી અનુવાદ The Deposit નામે થયો છે. કચ્છી સાહિત્ય કલા સંઘના ઉપપ્રમુખ તરીકે સેવા આપતા વિશ્રામ ગઢવી કચ્છી જાણ-સુજાણ પરીક્ષાના સંયોજક પણ રહી ચૂક્યા છે.
ડો. પૂર્વી ગોસ્વામીએ 2016ની સાલથી પૂર્ણ સભ્ય માટે લેખન કાર્યને આદરી કચ્છના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. કચ્છની ખમીરવંતી નારીના જીવનચરિત્ર વિશે કરેલાં કટાર લેખન બદલ તેમને 2022માં વૂમન એચિવર એવોર્ડ એનાત કરાયો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તેમણે સરહદી કચ્છની વીરાંગનાઓ અને યુસુફ મહેરઅલી ગૌરવગાથા શ્રેણીનું આલેખન કર્યું હતું. કવિ મહેશ સોલંકી `બેનામ‘ની સ્મૃતિમાં શરૂ કરાયેલ એવોર્ડ શ્રેણીના પ્રથમ વર્ષમાં તેમને બેનામ સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત કરાયો હતો.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)