ટેરિફ વોર શરૂ થતાં ડોલર સામે રૂપિયો ઓલટાઇમ નીચી સપાટીએ

નવી દિલ્હીઃ ફોરેન કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો રેકોર્ડ 87.28ની ઐતિહાસિક નવી સપાટીએ પહોંચ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડિંગ પાર્ટનર- મેક્સિકો, કેનેડા અને ચીન પર નવી ટેરિફ નાખતાં વૈશ્વિક કરન્સી બજારોમાં ડોલર મજબૂત થયો હતો, જ્યારે એશિયન કરન્સી પર ખાસ કરીને રૂપિયા પર દબાણ આવ્યું હતું અને ડોલર સામે રૂપિયો ઘસાયો હતો.

કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો સવારના ટ્રેડિંગ સેશનમાં 0.5 ટકા ઘટ્યો હતો અને ટ્રેડિંગ સેશનને અંતે 55 પૈસા તૂટીને ઓલટાઇમ નીચી સપાટી 87.17એ બંધ આવ્યો હતો. ટ્રમ્પે ત્રણ દેશો પર ટેરિફ નાખતાં વૈશ્વિક બજારમાં માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું હતું અને ફોરેક્સ ટ્રેડર્સ એ બજાર પર બાજ નજર નાખી રહ્યા છે. વૈશ્વિક માર્કેટ નબળા પડતાં US ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો હતો. ડોલર ઇન્ડેક્સ 0.3 ટકા ટકા વધીને 109.8એ પહોંચ્યો હતો.

નિષ્ણાતોના મતે રૂપિયામાં આ ઘટાડાનું કારણ ટ્રમ્પ દ્વારા કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદવાનું છે, જેને ફોરેક્સ ટ્રેડર્સે વૈશ્વિક વેપાર યુદ્ધનું પ્રથમ પગલું ગણાવ્યું છે. આ સિવાય ભૌગોલિક રાજકીય તણાવની પણ રૂપિયા પર નકારાત્મક અસર પડી છે.

ટ્રમ્પે અનેક વખત બ્રિક્સ દેશો પર 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે. ભારત, બ્રાઝિલ અને ચીન ત્રણેય બ્રિક્સનો ભાગ છે. આ સિવાય ટ્રમ્પે ભારત દ્વારા અમેરિકન ઉત્પાદનો પર વધુપડતા ટેરિફ લગાવવાની ફરિયાદ કરી છે. આવી સ્થિતિમાં ભારત પર પણ ટેરિફનું જોખમ છે.