લોકસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં બપોરે 3 વાગ્યે ભાજપના ચૂંટણી ઢંઢેરા અંગે બેઠક યોજાનાર છે. બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થવાની પણ સંભાવના છે. હજુ 4 દિવસ પહેલાં જ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દિલ્હી ગયા હતા. તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જેને પગલે એરપોર્ટ પર ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રૂપાલા સાથે મનસુખ માંડવીયા પણ એરપોર્ટ આવ્યા બાદ બંને ગાંધીનગર જવા રવાના થયા હતાં.
પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, હું દિલ્હી કેબિનેટની મિટિંગમાં ગયો હતો. કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા નિયમો મુજબ બ્રિફિંગ કરવાની થતી હોય છે. આગેવાનો અત્યારે બેઠક કરી રહ્યા છે. આગેવાનો પાસે માહિતી છે. એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય. અમારા સમર્થનમાં માત્ર પાટીદાર નહિ, પરંતુ તમામ સમાજ છે. ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન પણ જાહેર કર્યું છે. મેં અગાઉ પણ નામ આપ્યા છે અત્યારે પણ નામ આપી શકું છું. પરંતુ અત્યારે આ વિવાદમાં આગ હોમવાનું કામ મારો આશય નથી. મારી દૃષ્ટિએ હવે હું વધારાના કોઈ વિષયને તેમાં જોડવાના મતમાં નથી. ક્ષત્રિય વર્સીસ પાટીદાર કરવાની કોઈ આવશ્યકતા નથી.મેં આપને કહી દીધું છે, હવે તેમાંથી પેટા પ્રશ્નો જેટલા ધારવા હોય એટલા ધારી શકાય છે.
ગુજરાતમાં રાજપૂત સમાજ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી નારાજ છે અને ભાજપના નેતાઓ સાથેની મંત્રણા પણ પડી ભાંગતા હવે તેમની ટિકિટ કાપવી તેનાથી નમતું જોખવા ક્ષત્રિયો તૈયાર નથી. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પોતાના મંત્રીમંડળની બેઠક બોલાવી ચૂંટણી બાદ ફરી ભાજપ સરકાર બને તો તેના 100 દિવસમાં કરવાની કામગીરી પર ચર્ચા કરી, તેમાં કેન્દ્રીય મંત્રી હોવાના નાતે રૂપાલા પણ દિલ્હી ગયા હતા. આ તરફ રાજપૂતોની સમજાવટ માટે ગયેલા ભાજપના નેતાઓએ પણ આખરી ફેંસલો દિલ્હીમાં બેસેલું ભાજપનું મોવડી મંડળ કરશે તેવું નિવેદન આપી ચૂક્યું છે.