ભાગદોડ મામલોઃ કર્ણાટક સરકારે RCBને જવાબદાર ઠેરવી

બેંગલુરુઃ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ 18 વર્ષમાં પહેલી IPL કપ જીત્યો હતો. આ જીત RCB અને કોહલીના ચાહકો માટે બહુ મોટી હતી. બેંગલુરુમાં ચોથી જૂને  વિજય પેરેડ યોજાઈ હતી. આ પરેડ દરમિયાન મોટી ભીડ ભેગી થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી, જેમાં 11 લોકોનાં મોત થયા હતા. કેટલાક અહેવાલોમાં આ સંખ્યા 50થી વધુ જણાવાઈ હતી. હવે કર્નાટક સરકારે આ ભાગદોડ માટે RCBને જવાબદાર ગણાવી છે.

સરકાર દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ આ વિજય પરેડનું આયોજન RCB દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ ફ્રેન્ચાઈઝીએ બેંગલુરુ પોલીસે પાસેથી કોઈ પરવાનગી લીધી નહોતી અને ન તો તેમને પરેડ વિશે આગોતરી કોઈ જાણકારી આપી હતી. આ રિપોર્ટ કર્નાટક હાઈકોર્ટના આદેશ બાદ જાહેર કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટ મુજબ RCBએ પરેડ માટે કાયદેસરની પ્રક્રિયા અનુસરતી પરવાનગી લીધી નહોતી. ન તો સ્પષ્ટ રીતે પોલીસને જાણ કરી હતી કે પરેડ થશે, ન તો કેટલા લોકો એકઠા થશે, કેટલી વ્યવસ્થા હશે, ટીમ જીતશે તો શું થશે અને હારશે તો શું થાશે વગેરે માહિતી આપવામાં આવી હતી.

કર્નાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ત્રીજી જૂનની સાંજે લગભગ 6:30 વાગ્યે પોલીસને પરવાનગી માટે સંપર્ક કર્યો હતો, પરંતુ પૂરતી માહિતી ન હોવાને કારણે કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનના PIએ પરવાનગી આપી નહોતી.