લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી આર્થિક ગુનાહિત શાખા (EOW)એ PACL (પર્લ્સ એગ્રોટેક કોર્પોરેશન લિમિટેડ) કંપનીના માલિક અને કરોડો રૂપિયાની છેતરપિંડીના આરોપી ગુરનામ સિંહની ધરપકડ કરી છે. આ ધરપકડને રોકાણકારો માટે મોટી રાહત અને કાયદો વ્યવસ્થાની મોટી સફળતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરનામ સિંહ પર આરોપ છે કે તેણે પોતાની કંપની PACL દ્વારા હજારો લોકોને ઓછા સમયમાં વધુ નફો આપવાનો લાલચ આપીને મોટી રકમનું રોકાણ માટે સમજાવ્યા હતા. તેણે એવો દાવો કર્યો હતો કે કંપનીની સ્કીમ્સમાં રોકાયેલા પૈસા અનેક ગણા થઈને પાછા મળશે. આ છળકપટમાં આવીને લોકોએ મોટી રકમનું મૂડીરોકાણ કર્યું હતું, પરંતુ થોડા સમય પછી કંપનીએ દેશમાં બધી ઓફિસ બંધ કરી દીધી અને માલિક સહીત અન્ય મુખ્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
EOWની તપાસમાં સામે આવ્યું છે કે ગુરનામ સિંહની આ ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ ઉત્તર પ્રદેશ સિવાય આસામ, પંજાબ, રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કેરળ, બિહાર અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં શાખાઓ ખોલી હતી. આ રાજ્યોના હજારો રોકાણકારો પાસેથી અંદાજે રૂ. 49,000 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. કંપનીએ લોકોને કૃષિ જમીન આપવાના નામે પણ છેતરપિંડી કરી હતી.
આ કૌભાંડને લઈને ઉત્તર પ્રદેશના જાલૌનમાં રોકાણકારોએ કેસ નોંધાવ્યો હતો, જે બાદમાં મામલો CBI સુધી પહોંચ્યો. CBIએ આ કેસમાં પહેલેથી જ 10 નામજદ આરોપીઓમાંથી ચારની ધરપકડ કરી તિહાર જેલમાં મોકલી દીધા છે. ગુરનામ સિંહની ધરપકડ બાદ હવે રોકાણકારોમાં આશા જાગી છે. EOW અને અન્ય તપાસ એજન્સીઓ હવે આ ઠગ નેટવર્કના મૂળ સુધી તપાસમાં લાગી છે.
