જયપુરઃ લોકો જીવનભરની સંપત્તિ બચાવીને ઘર બનાવવાનાં સપનાં જુએ છે, પણ સુભાષ બિજારાની અને રણવીર બિજારાની જેવા લોકો એ સપનાને છેતરપિંડીમાં ફેરવી દે છે. રાજસ્થાનના આ બે ભાઈઓએ સ્માર્ટ સિટીને નામે 70,000 લોકો પાસેથી 2676 કરોડ રૂપિયાનું એક મોટું રિયલ એસ્ટેટ કૌભાંડ કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે રાજસ્થાનના નાના શહેરમાં રહેતા આ ભાઈઓએ એટલી ચાલાકીથી આ ઠગાઈ કરી કે લોકોને ખબર પણ ન પડી.
રૂ. 2676 કરોડના મહાકૌભાંડની વાત
રાજસ્થાનના સિકર શહેરના રહેવાસી સુભાષ અને રણવીર બિજારાની ભાઈઓએ ગુજરાતના ધોલેરા સ્માર્ટ સિટીને નામે મોટું કૌભાંડ રચ્યું. વર્ષ 2014માં રણવીર બિજારાનીએ ધોલેરામાં જમીન ખરીદી હતી, જ્યારે સુભાષે 30 લાખ રૂપિયા ધોલેરાની જમીનમાં રોક્યા હતા. એ પછી વર્ષ 2021માં બંનેએ મળીને અમદાવાદમાં “નેક્સા એવરગ્રીન” નામે એક કંપની રજિસ્ટર કરાવી અને દાવો કર્યો કે તેઓ ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો ભાગ છે. તેઓ પાસે 1300 વીઘા જમીન છે અને આ જમીન પર વર્લ્ડ ક્લાસ હાઉસિંગ બનાવશે.
70,000 લોકો સાથે છેતરપિંડી
આ બંનેએ પ્લોટ, ફ્લેટ, જમીન અને ઊંચા રિટર્નના નામે લોકો પાસેથી રોકાણ કરાવ્યું. વધુ ને વધુ લોકોને આ યોજના સાથે જોડવા માટે 1500 કરોડ રૂપિયાનું કમિશન વહેંચી દીધું. લોકોનો ભરોસો જીતવા માટે નિવૃત્ત ફૌજીઓને ઓફિસ સંચાલક બનાવ્યા. 15થી વધુ શેલ કંપનીઓ બનાવી અને એજન્ટ્સને કમિશન અને ભેટ આપી, જેથી તેઓ વધુ લોકોને ફસાવી શકે. લોકો સાથે ઠગાઈ કરીને આ ભાઈઓએ રાજસ્થાનથી લઈને ગોવા સુધી હોટેલ, ફ્લેટ, ખાણ અને રિસોર્ટ ખરીદ્યાં. 26 શેલ કંપનીઓ દ્વારા રોકાણકારોના પૈસાની હેરફેર કરી.
કૌભાંડનો પર્દાફાશ
આ કંપનીએ ધીરે-ધીરે ઓફિસ બંધ કરવાનું શરૂ કર્યું. જ્યાં ઓફિસ હતી, એ રાત્રે અચાનક ગાયબ થવા લાગી. લોકો પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાવા લાગ્યા. આ મામલો બહાર આવતાં જ ED (ED)એ ઝુંઝનુ, સિકર, જયપુર અને અમદાવાદમાં કુલ 25 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કરોડોની રોકડ, ક્રિપ્ટો એકાઉન્ટ્સ જપ્ત કરાયા. તેમ છતાં કૌભાંડની કુલ રકમ સામે આ જપ્તી બહુ ઓછી છે.
ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ શું છે?
ગુજરાતના ધોલેરામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને એક ગ્રીનફીલ્ડ સ્માર્ટ સિટી બનાવી રહી છે. આ સ્માર્ટ સિટીનો વિસ્તાર દિલ્હી કરતાં બે ગણો મોટો છે. અહીં એરપોર્ટ, મલ્ટિનેશનલ કંપનીઓ, શોપિંગ મોલ, શાળાઓ અને અન્ય તમામ આધુનિક સુવિધાઓ રહેશે.
