સાંસદ મહિલા સાથે મોર્નિંગ વોકમાં સોનાની ચેઇનની લૂંટઃ FIR દાખલ

નવી દિલ્હીઃ દિલ્હી હવે નેતાઓ માટે પણ સુરક્ષિત રહી નથી. કોંગ્રેસ પાર્ટીનાં સાંસદ સુધા રામકૃષ્ણનની સવારે દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં ચેઇન છીનવી લેવામાં આવી હતી. તામિલનાડુનાં સાંસદ રામકૃષ્ણન કહે છે કે ઘટના ત્યારે બની જ્યારે તેઓ પોતાના સાથી સાંસદ સાથે સવારના સમયે મોર્નિંગ વોક કરતાં હતાં. દિલ્હી પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને આગળની તપાસ ચાલી રહી છે.

રામકૃષ્ણને ગૃહમંત્રીને પત્ર લખ્યોઆ મામલામાં સાંસદ રામકૃષ્ણને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. લોકસભા સાંસદે કહ્યું હતું કે સવારે આશરે 6.15થી 6.20 વચ્ચે જ્યારે અમે પોલેન્ડ દૂતાવાસના ગેટ-3 અને ગેટ-4 નજીક હતાં, ત્યારે એક વ્યકતિ હેલ્મેટ પહેરીને સ્કૂટી પર ઊંધી બાજુથી આવ્યો અને મારી સોનાની ચેઇન છીનવીને ભાગી ગયો.

રામકૃષ્ણને આગળ જણાવ્યું હતું  કે તે વ્યક્તિ ધીમે-ધીમે રોંગ સાઇડથી આવી રહ્યો હતો, તેથી શંકા ન આવી કે તે ચેઇન સ્નેચર હોઈ શકે. જેણે મારી ગળાની ચેઇન ખેંચી, ત્યારે મારી ગળામાં ઇજાઓ થઈ. અમે કોઇ રીતે પડી જવાથી બચી ગયા અને બંનેએ મદદ માટે બૂમો પાડી. રામકૃષ્ણને જણાવ્યું હતું કે ત્યાર બાદ તેમની નજર પોલીસની એક ગાડી પર પડી અને તેમણે તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી.

કોંગ્રેસ સાંસદે અમિત શાહને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મહાશય, ચાણક્યપુરીની જેમ હાઈ સિક્યુરિટી ઝોનમાં જ્યાં ઘણા દૂતાવાસો છે, ત્યાં એક મહિલા સાંસદ પર હુમલો થવો ખૂબ જ આઘાતજનક છે. તેમણે લખ્યું હતું કે જો ભારતની રાષ્ટ્રીય રાજધાનીના આ વિસ્તારમાં પણ એક મહિલા સુરક્ષિત રીતે ચાલીને પોતાની દૈનિક ક્રિયાઓ કરી શકતી નથી, તો પછી આપણે ક્યાં સુરક્ષિત અનુભવીશું?