નવી દિલ્હીઃ મોંઘવારીને મુદ્દે દેશમાં સામાન્ય લોકો માટે આ એક મોટા રાહતના સમાચાર છે.દેશમાં એપ્રિલ, 2025માં રિટેલ મોંઘવારીની દર ઘટીને છેલ્લાં છ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે. શાકભાજી, ફળો અને અન્ય પ્રોટીનયુક્ત ઉત્પાદનોની કિંમતોમાં નરમાઈ આવતાં એપ્રિલમાં રિટેલ મોંઘવારી દર ઘટીને લગભગ છ વર્ષના નીચલા સ્તર એટલે કે 3.16 ટકા પર આવી ગયો છે.
એપ્રિલમાં ઉપભોક્તા કિંમત સૂચકાંક (CPI) પર આધારિત મોંઘવારીની દર 3.16 ટકા રહ્યો હતો, જે જુલાઈ 2019 પછીનો સૌથી ઓછો દર છે, એમ જાહેર થયેલા સત્તાવાર આંકડાઓ જણાવે છે.
આ પહેલાં જુલાઈ, 2019માં પણ રિટેલ મોંઘવારી દર 3.15 ટકા હતો. માર્ચ 2025માં આ દર 3.34 ટકા અને એપ્રિલ 2024માં 4.83 ટકા હતો. ગયા મહિને ખાદ્ય મોંઘવારી દર 1.78 ટકા રહ્યો હતો, જ્યારે માર્ચમાં ખાદ્ય મોંઘવારી દર 2.69 ટકા હતો. હવે રિટેલ મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેંક (RBI)ના લક્ષ્યાંકની મર્યાદા છે. RBIને સરકાર તરફથી મોંઘવારી બે ટકા ઉપર-નીચે સાથે ચાર ટકા પર જાળવવાની જવાબદારી આપવામાં આવી છે.
મોંઘવારી દરમાં ઘટાડો થતાં RBIએ બે વખત કુલ 0.50 ટકા રેપો રેટમાં ઘટાડો કર્યો છે. ફેબ્રુઆરી 2025માં RBIએ રેપો રેટમાં 0.25 ટકા અને એપ્રિલમાં ફરી 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આ રીતે બે મહિનામાં રેપો રેટ 6.50 ટકાથી ઘટીને 6.00 ટકા પર આવી ગયો છે.2025-26 માટે 4 ટકા રિટેલ મોંઘવારી દરનો અંદાજ
કેન્દ્રીય બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે રિટેલ મોંઘવારી દર ચાર ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. RBIના અંદાજ મુજબ પહેલી ત્રિમાસિકમાં મોંઘવારી 3.6 ટકા, બીજામાં 3.9 ટકા, ત્રીજામાં 3.8 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 4.4 ટકા રહેવાની શક્યતા છે.
