જાણીતી અભિનેત્રી તબસ્સુમનું નિધન, 78 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી

મનોરંજન જગતમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેત્રી તબસ્સુમ ગોવિલ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમનું 78 વર્ષની વયે નિધન થયું છે. ગઈકાલે એટલે કે શુક્રવારે રાત્રે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તબસ્સુમે બાળ કલાકાર તરીકે વર્ષ 1947માં ફિલ્મ ‘મેરા સુહાગ’થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી, ત્યારબાદ તે ઘણી ફિલ્મો અને ટીવી શોનો ભાગ રહી હતી. જો કે હવે 78 વર્ષની ઉંમરે આ જાણીતી અભિનેત્રીએ આ દુનિયાને અલવિદા કહી દીધું.

હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું

તબસ્સુમને ગઈકાલે એટલે કે શુક્રવારે રાત્રે બે હાર્ટ એટેક આવ્યા હતા. તેમને સવારે 8:40 વાગ્યે પહેલો હાર્ટ એટેક આવ્યો હતો અને બીજો સવારે 8:42 વાગ્યે આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આજે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એબીપી ન્યૂઝ સાથે વાત કરતા તેના પુત્ર હોશાંગ ગોવિલે કહ્યું કે તેની માતાની ઈચ્છા હતી કે તેને દફનાવતા પહેલા તેના મૃત્યુ વિશે કોઈને જણાવવામાં ન આવે.

ટોક શો હોસ્ટ તરીકે પણ પોતાની ઓળખ બનાવી

બાળપણમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરનાર તબસ્સુમ માત્ર અભિનેત્રી તરીકે જ ઓળખાતી નહોતી. પરંતુ તેણે ટોક શો હોસ્ટ તરીકે પણ પોતાની ઓળખ બનાવી હતી. દૂરદર્શન પર દેશનો પ્રથમ ટીવી ટોક શો ‘ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન’ હોસ્ટ કરવાનો શ્રેય તબસ્સુમને જાય છે. તેમણે 1972 થી 1993 દરમિયાન આ શોને હોસ્ટ કર્યો હતો, જેના દ્વારા તેમને ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજોના ઇન્ટરવ્યુ લેવાની તક મળી હતી. તે એક યુટ્યુબર પણ હતી જેના દ્વારા તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ફિલ્મ કલાકારોની ન સાંભળેલી અને રમુજી વાર્તાઓ સંભળાવતી હતી.