નવી દિલ્હીઃ સોનાની દાણચોરીના કેસમાં રંગે હાથે પકડાયેલી કન્નડ અભિનેત્રી રાન્યા રાવે DRIની પૂછપરછમાં અનેક ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું છે કે તે ફોટોગ્રાફી અને રિયલ એસ્ટેટના વ્યવસાયના સંદર્ભમાં મુસાફરી કરતી હતી. તેનેને જ્યારે દુબઈની યાત્રા વિશે પૂછવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે મેં અનેક વાર યુરોપ, અમેરિકા, આફ્રિકા અને મધ્ય પૂર્વની મુલાકાત લીધી છે. મને છેલ્લાં બે અઠવાડિયાથી અજાણ્યા વિદેશી નંબરો પરથી ફોન આવી રહ્યા છે. પહેલી માર્ચે એક વિદેશી ફોન નંબર પરથી ફોન આવ્યો હતો.
તેણે પૂછપરછમાં જણાવ્યું હતું કે મને દુબઈ એરપોર્ટના ટર્મિનલ-3 ના ગેટ-એ પર જવાની સૂચના આપવામાં આવી હતી. તેને ત્યાંથી સોનું મેળવીને બેંગલુરુ પહોંચાડવાનું કહેવામાં આવ્યું. આ પહેલી વાર હતું જ્યારે મેં દુબઈથી બેંગલુરુમાં સોનું દાણચોરીથી લાવ્યું હતું. મેં પહેલાં ક્યારેય દુબઈથી સોનું ખરીદ્યું નથી. જોકે રાન્યાએ તેને સૂચના આપનાર વ્યક્તિની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. રાન્યાએ એ પણ ખુલાસો કર્યો કે તેણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પરથી સોનું કેવી રીતે છુપાવવું તે શીખ્યું હતું.
ડીઆરઆઈની પૂછપરછ દરમિયાન ખુલાસો કરતા રાન્યાએ જણાવ્યું હતું કે ફોન કરનારનો ઉચ્ચાર આફ્રિકન-અમેરિકન જેવો હતો. તેણે મને કહ્યું કે તે મને દુબઈ એરપોર્ટ પર સફેદ ગાઉનમાં મળશે. અમે દુબઈ એરપોર્ટ પર ટર્મિનલ 3 ના ગેટ-A પર મળ્યા. સુરક્ષા તપાસ પછી તેણે મને સોનાની લગડી આપી. તેની બાદ તરત જ તે ત્યાંથી નીકળી ગયો. તેની ઉંચાઇ લગભગ 6 ફૂટ હતી અને ગોરો હતો. હું તેને ફરી ક્યારેય નથી મળી.
તેણે વધુમાં જણાવ્યું હતું કે સોનું પ્લાસ્ટિકથી કવર કરેલાં બે પેકેટમાં હતું. મેં એરપોર્ટ પર ક્રેપ બેન્ડેજ અને કાતર ખરીદી હતી અને એરપોર્ટના ટોઇલેટમાં જઈને મારા શરીર પર મેં સોનાની લગડી ચોંટાડી દીધી. મેં સોનું મારા જીન્સ અને શૂઝમાં છુપાવી દીધું. હું આ બધું યુટ્યુબ વીડિયો જોઈને શીખી હતી.
તેને જ્યારે તેના ફ્લાઇટ બુકિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે તેણે ટિકિટ બુક કરવા માટે તેના પતિ જતીન વિજય કુમારના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો તેમ જ મને સોનાની લગડી કોઈ અજાણ્યા વ્યક્તિને સોંપવાની સૂચના આપવામાં આવી હતી. DRIએ 3 માર્ચે અભિનેત્રી રાન્યા રાવને 12.56 કરોડ રૂપિયાના સોનાની લગડીઓ સાથે બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયતમાં લીધી હતી.
