15 રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાશે

દેશમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ચૂંટણી પંચે આજે 15 રાજ્યોની રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. આગામી 27 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સહિત 15 રાજ્યોની 56 બેઠકો માટે ચૂંટણી યોજાશે. નોમિનેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. નામાંકન પરત ખેંચવાની તારીખ 20મી ફેબ્રુઆરી સુધી છે. મતદાન પ્રક્રિયા 27 ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે, જ્યારે મત ગણતરી 27 ફેબ્રુઆરી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

ગુજરાત ભાજપના બે કેન્દ્રીય મંત્રીઓ પણ થશે નિવૃત્ત

આ વખતે ભાજપના રાજયસભાના સભ્‍ય બે કેન્‍દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તથા કોંગ્રેસના બે સભ્‍યો અમીબેન યાજ્ઞીક અને નારણભાઇ રાઠવાની મુદત પૂરી થઇ રહી છે. રૂપાલાની રાજયસભામાં ત્રીજી અને માંડવિયાની બીજી ટર્મ છે. ભાજપ બન્‍ને મંત્રીઓને લોકસભાની ચૂંટણી લડાવે તેવી શકયતા સેવાઇ રહી છે. તો બીજી બાજુ એમ પણ ચર્ચા થઈ રહી છે કે વિધાનસભામાં ભાજપની 156 બેઠકો હોવાથી રાજ્યસભાની ચાર બેઠકો ભાજપના ફાળે જશે.

કયા પંદર રાજ્યોમાં ચૂંટણી યોજાશે?

(1) આંધ્રપ્રદેશ, (2) બિહાર, 3) છત્તીસગઢ, (4) ગુજરાત, (5) હરિયાણા, (6) હિમાચલ પ્રદેશ, (7) કર્ણાટક, (8) મધ્ય પ્રદેશ, (9) મહારાષ્ટ્ર, (10) તેલંગાણા, (11) ઉત્તર પ્રદેશ, (12) ઉત્તરાખંડ, (13) પશ્ચિમ બંગાળ, (14) ઓડિશા, (15) રાજસ્થાન.

કયા રાજ્યમાં કેટલી બેઠક પર ચૂંટણી યોજાશે?

સૌથી વધારે ઉત્તર પ્રદેશની 10 બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. આ સિવાય મહારાષ્ટ્રમાં 06 અને બિહારમાં 06 બેઠક, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં 05 બેઠક, ગુજરાત અને કર્ણાટકમાં 04 બેઠક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને રાજસ્થાનમાં 03-03 બેઠક, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં 01-01 બેઠક પર ચૂંટણી યોજાશે.

બિહાર યુપી પર બીજેપીની વિશેષ નજર

બિહારમાં રાજ્યસભાની 6 બેઠકો પર ચૂંટણી થવાની છે. જ્યારે યુપીમાં 10 બેઠકો છે. આવી સ્થિતિમાં ભાજપ માટે આ અત્યંત મહત્વપૂર્ણ રાજ્યો છે. આ બે રાજ્યો સિવાય બીજેપી શાસિત ઘણા રાજ્યોમાં પણ ચૂંટણી યોજાવાની છે.