ચૂંટણી વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ

આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતની 25 બેઠકો પર મતદાન શરૂ છે. એકબાજુ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આકરી ગરમીની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદે દસ્તક લીધી હતી. અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડયો હતો. આ સાથે અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સાબરકાંઠાના ઇડર તાલુકા ના કડિયાદરામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

 

કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો

ગુજરાતમાં એક તરફ મતદાનનો માહોલ છે આજે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરુ થઈ હતી ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આજે આકરી ગરમીની પણ આગાહી કરી હતી જેથી લોકો અસહ્ય ગરમીમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે આ બધાની વચ્ચે બપોર બાદ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મોડાસાના ગ્રામ્ય પંથકમાં કાળઝાળ ગરમીમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો જે બાદ માવઠું થયું હતું. ટીંટોઇ સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અંબાજી હડાદ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ આકાશમાં વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતમાં પણ કમોસમી વરસાદે દસ્તક દીધી હતી. સુરત શહેરમાં અડાજણ , ભાઠા , કતારગામ , જહાંગીરપુરા અને પીપલોદ સહિતના વિસ્તારમાં માવઠુ થયુ હતું.