નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને લઈને ભાજપે આકરા પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ અને પોસ્ટર શેર કરીને આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી નવરાત્રિના તહેવાર દરમિયાન રજાઓ માણવા વિદેશ ગયા છે.

પ્રદીપ ભંડારીના આરોપો અને સોશિયલ મિડિયા પોસ્ટ
પ્રદીપ ભંડારીએ પોતાની સોશિયલ મિડિયા પોસ્ટમાં લખ્યું હતું કે રાહુલ ગાંધી એ જ કરી રહ્યા છે, જે તેઓ સૌથી સારી રીતે કરી શકે છે—‘વિરામ લેવો અને રજાઓનો આનંદ માણવો.’ ભંડારીએ પોતાની પોસ્ટમાં રાહુલ ગાંધી વિદેશમાં હોવાનો દાવો કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે રાહુલ ગાંધી રજાઓ માણવા વિદેશ પ્રવાસે ગયા છે કે કેમ. તેમણે લખ્યું હતું કે રાહુલ ગાંધી ભારતમાં નથી! નવરાત્રિ દરમિયાન તેઓ વિદેશમાં શું કરી રહ્યા છે? રજાઓ માણી રહ્યા છે કે પછી પોતાના ‘અરાજકતાના સાથીદારો’ (Chaos Collaborators)ને મળી રહ્યા છે? એક એવી વ્યક્તિ, જે કામ કરવા કરતાં મોજમસ્તીમાં વધુ સમય વિતાવે છે અને ત્યાર બાદ ‘વોટ ચોરી’નો હોબાળો મચાવે છે.
પોસ્ટરમાં શું દર્શાવવામાં આવ્યું છે?
પ્રદીપ ભંડારી દ્વારા શેર કરવામાં આવેલા પોસ્ટરમાં રાહુલ ગાંધીને રજાઓ માણવાના અંદાજમાં દર્શાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં તેઓ સનગ્લાસ પહેરીને, ટ્રોપિકલ શર્ટ અને શોર્ટ્સમાં હાથમાં સુટકેસ લઈને જોવા મળે છે. તેમની પાછળ એક વિમાન ઊડતું પણ દર્શાવવામાં આવ્યું છે.
પોસ્ટર પર મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું છે:
- ‘રાહુલ ગાંધી ફરી રજા પર!’
- ‘દેશમાં સવાલોની ગરમી વધી, તો રાહુલજી વિદેશની હવા ખાવા નીકળી પડ્યા!’
- ‘હોલિડે મોડ: ચાલુ’
RAHUL GANDHI IS BACK TO DOING WHAT HE DOES BEST: TAKING A BREAK AND ENJOYING A HOLIDAY!
Rahul Gandhi is reportedly travelling abroad for a vacation.
Rahul Gandhi is not in India!
During Navratri, what is Rahul Gandhi doing abroad?
– Enjoying a break
– Meeting his “chaos collaborators”?A man who spends more time chilling than working—and then shouts, “Vote Chori!”
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) October 19, 2026
રાજકીય અર્થ અને વિવાદ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને લઈને ભાજપ વારંવાર નિશાન સાધતી રહી છે. આ વખતે પણ નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન તેમના કથિત વિદેશ પ્રવાસને મુદ્દો બનાવીને ભાજપે તેમના નેતૃત્વ અને પ્રતિબદ્ધતા પર સવાલો ઉઠાવ્યા છે.






