રાહુલ ગાંધી ભારતના મીર જાફર છેઃ ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર

નવી દિલ્હીઃ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસની વિચારધારા ભારતવિરોધી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ત્યારે દેશની છબીને નબળી પાડવાનો પ્રયાસ કરે છે. ગૌરવ ભાટિયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસના શાસનકાળમાં દેશમાં કૌભાંડો થતાં હતાં.

રાહુલ ગાંધી અરાજકતાનું પ્રતીક છે: ગૌરવ ભાટિયા

ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી ભારતના વિપક્ષના નેતા છે. તેઓ વિદેશ પ્રવાસ દરમિયાન અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં એક કાવતરાના ભાગરૂપે ભારતને બદનામ કરવા માટે બિનજરૂરી નિવેદનો, ખોટા દાવાઓ અને પાયાવિહોણી વાતો કરે છે. આ દેશ માટે શરમજનક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અરાજકતાના પ્રતીક એવા રાહુલ ગાંધી જ્યારે પણ વિદેશની ધરતી પર જાય છે ત્યારે તેમનો એક જ ઇરાદો હોય છે કે ભારતની મજબૂત છબીને કેવી રીતે નબળી પાડવી. રાહુલ ગાંધી વિદેશની ધરતી પર એક શબ્દ બોલે છે ત્યારે સ્પષ્ટ થઈ જાય છે કે તેઓ ભારતવિરોધી છે અને મીરજાફર છે.

ગૌરવ ભાટિયાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે જ્યારે પણ સંસદનું સત્ર નજીક આવે છે ત્યારે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે જતા રહે છે. તેમણે કહ્યું હતું કે છેલ્લાં 12 વર્ષથી દેશમાં મજબૂત અને સ્થિર સરકાર છે, પરંતુ રાહુલ ગાંધી ઇચ્છે છે કે આ સરકાર નષ્ટ થઈ જાય.

કોંગ્રેસના શાસનમાં કૌભાંડો થતાં હતાં: ભાજપ

ભાજપના પ્રવક્તાએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ભારતમાં છેલ્લાં 12 વર્ષથી મજબૂત અને સ્થિર સરકાર છે, પરંતુ તેઓ ઇચ્છે છે કે આ સરકાર નષ્ટ થઈ જાય. રાહુલ ગાંધી, તમને ભારતથી આટલી નફરત શા માટે છે? વડા પ્રધાનના નેતૃત્વમાં ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે, તો તેમની સાથે આટલી નફરત શા માટે છે? જ્યારે યુપીએ સરકાર સત્તામાં હતી ત્યારે ફાઇલો અટવાયેલી રહેતી હતી, કામ થતા નહોતાં અને કૌભાંડો થતાં હતાં.