CJP આંદોલન વધુ તેજ: રાહુલે આપ્યું સોમવારે રસ્તા પર ઉતરવાનું એલાન

અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ જેવા નેતાઓની ધરપકડ અને અટકાયત બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ હવે અજિંક્ય શિંદેને સોંપવામાં આવ્યું છે. અજિંક્ય શિંદેએ જાહેરાત કરી છે કે રવિવારે પણ વિરોધ પ્રદર્શન અટકશે નહીં. આ દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આગામી 12 ઓક્ટોબર એટલે કે સોમવારે દેશના યુવાનો અને INDIA ગઠબંધન સાથે રસ્તા પર ઉતરીને મોટું વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કરી દીધું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ વખતે વિરોધનો અવાજ સમગ્ર દેશમાં પહેલા કરતાં પણ વધુ જોરશોરથી ગૂંજશે.

“જેટલી પોલીસ મોકલવી હોય મોકલો, અમે પીછેહઠ નહીં કરીએ”

દિલ્હી પોલીસની કાર્યવાહી પર ગંભીર આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “અમિત શાહની દિલ્હી પોલીસ ખુદ ગુંડાટોળી પર ઉતરી આવી છે અને RSS-BJP ના અસલી ગુંડાઓને મહિલાઓ તથા યુવાનો પર હિંસા કરવાની ખુલ્લી છૂટ આપી રહી છે. મેં પહેલાં પણ કહ્યું હતું તેમ, આ સરકાર જેટલું દબાવવાનો પ્રયાસ કરશે, Gen Z અને વિદ્યાર્થીઓનો આક્રોશ તેટલો જ બેવડાશે. કેન્દ્ર સરકારને સીધો પડકાર ફેંકતા રાહુલે ઉમેર્યું, “અમિત શાહને જેટલી પોલીસ લાવવી હોય – 10 હજાર, 20 હજાર કે 40 હજાર – લઈ આવે. ભાજપ અને આરએસએસના જેટલા ગુંડાઓને બોલાવવા હોય બોલાવી લે. અમે ડરવાના નથી અને પાછા હટવાના નથી. આ લડાઈ હવે રોકાવાની નથી.

મુખ્ય ન્યાયાધીશ (CJI) સમક્ષ રજૂઆત કરશે

રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે સોમવારે વિપક્ષી નેતાઓ દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને મળશે. તેમણે કહ્યું કે, “જ્યારે દિલ્હીના રસ્તાઓ પર બંધારણના ધજાગરા ઉડાવાઈ રહ્યા હોય અને લોકશાહીને કચડવામાં આવી રહી હોય, ત્યારે કાયદાના રક્ષકો આંખે પાટા બાંધીને બેસી શકે નહીં. બંધારણ પર હુમલો થશે અને અમે ચૂપ બેસી રહીશું? એવું ક્યારેય નહીં બને. અમે સરકારની જવાબદારી નક્કી કરાવીને જ રહીશું. પોતાના એક નિવેદનમાં રાહુલે વધુમાં કહ્યું કે, “હું નરેન્દ્ર મોદી અને RSS સામે 10 વર્ષથી વધુ સમયથી લડી રહ્યો છું. હું મારા વિરોધીઓની દરેક ચાલને ખૂબ સારી રીતે ઓળખું છું. હવે કાવતરાખોરો ધીમે ધીમે ઘેરાઈ રહ્યા છે અને તેમનો દાયરો સીમિત થઈ રહ્યો છે.

શનિવારે કોંગ્રેસે પ્રદર્શનથી અંતર જાળવ્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પક્ષ બુધવારથી શુક્રવાર સુધી દિલ્હીમાં સતત પ્રદર્શન કરી રહ્યો હતો. જોકે, શનિવારે જ્યારે CJP એ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો અને સમગ્ર દિલ્હીને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું, ત્યારે કોંગ્રેસે રસ્તા પરના આંદોલનથી અંતર જાળવી રાખ્યું હતું. અલબત્ત, નિવેદનો અને સોશિયલ મીડિયા દ્વારા કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરતી રહી હતી. શનિવારે રાહુલ ગાંધી ચેન્નઈમાં યોજાયેલા ‘છત્રકી ગૂંજ’ કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા.