રાફેલ નડાલે ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

રાફેલ નડાલે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 38 વર્ષની ઉંમરે તેણે પોતાની ફેવરિટ રમતને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. નડાલે પોતાની નિવૃત્તિની માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી છે. વીડિયો રિલીઝ કરતી વખતે તેણે તમામ ફેન્સનો આભાર માન્યો હતો. નડાલે કહ્યું કે હું પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. છેલ્લા કેટલાક વર્ષો ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષ પડકારજનક રહ્યા છે. આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે. પરંતુ જીવનમાં દરેક વસ્તુનો આરંભ અને અંત હોય છે. આ ટુર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડ 19 થી 24 નવેમ્બર વચ્ચે રમાશે.

રાફેલ નડાલની કારકિર્દી ઈજાઓથી ભરેલી રહી છે. દર બીજા કે ત્રીજા વર્ષે તેને કોઈને કોઈ ઈજા થતી હતી. નડાલે તેની કારકિર્દીમાં 16 મોટી ઇજાઓનો સામનો કરવો પડ્યો હતો. આ પડકારો વચ્ચે, તેણે ટેનિસ રમવાનું અને ટાઇટલ જીતવાનું ચાલુ રાખ્યું. ઈજાના કારણે તેને 2023ની ફ્રેન્ચ ઓપનમાંથી બહાર રહેવું પડ્યું હતું. જ્યારે 2024માં તેઓ પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયા હતા. તેણે છેલ્લે 2 વર્ષ પહેલા 2022માં ફ્રેન્ચ ઓપન જીતી હતી.

રાફેલ નડાલે તેની ટેનિસ કારકિર્દીમાં 36 માસ્ટર ટાઇટલ સહિત 92 ATP સિંગલ્સ ટાઇટલ જીત્યા છે. તેના નામે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પણ છે. જો કે, તે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં સફળ રહ્યો ન હતો. ક્લે કોર્ટ પર નડાલની કોઈ સ્પર્ધા નહોતી. તેથી જ તેને માટીના રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. નડાલે કુલ 14 વખત ક્લે કોર્ટ પર રમાયેલી ફ્રેન્ચ ઓપનનું સિંગલ ટાઇટલ જીત્યું છે. આ સમયગાળા દરમિયાન તેણે 116 મેચમાંથી 112 મેચમાં રેકોર્ડ જીત મેળવી છે.

સૌથી વધુ વખત ફ્રેન્ચ ઓપન જીતવા ઉપરાંત નડાલે બે વખત ઓસ્ટ્રેલિયન ઓપન, બે વખત વિમ્બલ્ડન અને 4 વખત યુએસ ઓપન પણ જીત્યા છે. નડાલે 2008માં બેઇજિંગ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી, 2016 માં, તેણે રિયો ઓલિમ્પિકમાં મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ સિવાય આ ટેનિસ સ્ટારે 4 વખત સ્પેનમાં આયોજિત ડેવિસ કપનો ખિતાબ જીત્યો હતો.