24 વર્ષમાં પહેલીવાર ઉત્તર કોરિયા પહોંચ્યા પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 24 વર્ષમાં પ્રથમવાર ઉત્તર કોરિયાની મુલાકાતે છે. મુલાકાત પહેલા, તેમણે યુક્રેનમાં તેમના પગલાઓને સમર્થન આપવા બદલ ઉત્તર કોરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. પુતિને કહ્યું કે બંને દેશો સાથે મળીને અમેરિકાના નેતૃત્વમાં તેમના પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને હરાવી દેશે.

તેઓ મંગળવારે બે દિવસની મુલાકાતે પ્યોંગયાંગ પહોંચ્યા હતા. ઉત્તર કોરિયાના રાજ્ય મીડિયા દ્વારા પ્રકાશિત એક લેખમાં, પુતિને કોરિયન દેશના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉનની પ્રશંસા કરી હતી અને વચન આપ્યું હતું કે તેઓ સંયુક્ત રીતે અન્યાયી અને એકપક્ષીય પ્રતિબંધોનો વિરોધ કરશે. રશિયા અને ઉત્તર કોરિયા વેપાર અને ચુકવણી પ્રણાલી વિકસાવશે જેને પશ્ચિમી દેશો નિયંત્રિત કરી શકશે નહીં.

યુએનએ પ્રતિબંધો લાદ્યા

તમને જણાવી દઈએ કે ઉત્તર કોરિયા પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમોને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કડક આર્થિક પ્રતિબંધોના દબાણમાં છે. જ્યારે રશિયા પણ યુક્રેન પર હુમલા માટે અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. અમેરિકાનો દાવો છે કે ઉત્તર કોરિયાએ યુક્રેનમાં ઉપયોગ માટે રશિયાને બેલેસ્ટિક મિસાઈલ અને 11,000 થી વધુ દારૂગોળો મોકલ્યો છે.