પંજાબની LPU બાદચિતકારા યુનિવર્સિટીમાં હંગામો, યુવતીઓની સુરક્ષાના મુદ્દે હિંસક પ્રદર્શન

પંજાબ: બે મોટી ખાનગી યુનિવર્સિટી—ચિતકારા યુનિવર્સિટી અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)—માં ગર્લ્સ હોસ્ટેલ સંબંધિત અફવાઓ અને સુરક્ષાના દાવાઓને પગલે ભારે વિરોધ પ્રદર્શન અને હિંસાની ઘટનાઓ સામે આવી છે. 140 કિલોમીટર દૂર આવેલી આ બંને યુનિવર્સિટીમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ અને અફવાઓના કારણે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

  • ચિતકારા યુનિવર્સિટીમાં ભૂતની અફવા: રાજપુરા નજીક આવેલી ચિતકારા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલમાં ડરામણા અવાજો અને ભૂત હોવાની અફવા ફેલાઈ હતી. તે ઉપરાંત યુવતીઓ ગાયબ હોવાના દાવા બાદ હિંસક વિરોધ શરૂ થયો હતો, જેમાં પોલીસ વાહનો અને કેમ્પસ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

  • LPUમાં કથિત ઉત્પીડન અને હંગામો: ફગવાડા સ્થિત LPUમાં હોસ્ટેલની વિદ્યાર્થિની સાથે કથિત શારીરિક શોષણ અને ત્યારબાદ આત્મહત્યાના દાવા વાયરલ થતાં વિદ્યાર્થીઓએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો. વિરોધ-પ્રદર્શન દરમિયાન પોલીસ વાહનોમાં આગચંપી કરવામાં આવી હતી.

  • પોલીસની સ્પષ્ટતા અને SITની રચના: પંજાબ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ચિતકારા અને LPUની ઘટનાઓ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. બંને જગ્યાએ વાયરલ થઈ રહેલા ગાયબ થવાના અને આત્મહત્યાના દાવાઓ પુરાવા વગરના છે. એલપીયુ કેસમાં તપાસ માટે એસઆઈટી (SIT)ની રચના કરવામાં આવી છે.

  • શિક્ષણ કાર્ય સ્થગિત: પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા ૨,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે એલપીયુએ 10 દિવસ માટે અને ચિતકારા યુનિવર્સિટીએ ઓક્ટોબરના પહેલા અઠવાડિયા સુધી ક્લાસ રદ કર્યા છે.