શ્રીમદ્ રાજચંદ્રદેવની 155મી જન્મજયંતી, પુજ્ય મોરારિ બાપુ રહ્યા ઉપસ્થિત

રાજકોટ : આજે પરમ કુપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર દેવની 155મી જન્મજયંતી છે. ત્યારે આ ખાસ પ્રસંગે પુજ્ય મોરારિબાપુ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે રાજચંદ્ર હોસ્પિટલમાં પુજ્ય બાપુના હસ્તે શ્રી મદ્ રાજચંદ્રજીની પ્રતિમાજીની સ્થાપના પણ કરવામાં આવી હતી. કુપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજી પૂર્વના આરાધક અને જ્ઞાન સંસ્કારનો ભવ્ય વારસો લઈને પૂર્વની જે અધુરી રહેલી સાધનાનું અનુસંધાન કરીને સાધનાને આગળ વધારવા જન્મ્યા હતાં. અગાશ, ધરમપુર સહિતના શ્રીમદ્ રાજચંદ્રદેવના આરાધના સ્થાનોમાં આજે કૃપાળુ દેવની જન્મ જયંતીની ઉજવણી થઈ હતી.

મોરારિબાપુએ રાજચંદ્ર હોસ્પિટલની લીધી મુલાકાત

શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિરે આજે શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોના આયોજનો થયા છે. 8 નવેમ્બર 2022નો દિવસ એટલે ઓગણીસમી સદીમાં સૌરાષ્ટ્રની ધરતી પર થઈ ગયેલ આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રની 155મી જન્મજયંતિ. આ શ્રી મદ્ રાજચંદ્રની 155મી જન્મજયંતિના ખાસ પ્રસંગે પૂજ્ય મોરારિબાપુ ધરમપુરના આશ્રમ ખાતે પધાર્યા હતા. પૂજ્ય ગુરૂદેવ શ્રી રાકેશજી સંસ્થાપિત શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના આ મુખ્ય મથક એ આશ્રમમાં તેઓએ શ્રી મદ્ રાજચંદ્રજીની પ્રતિમાજીના દર્શન કર્યા હતા. તો સાથે સાથે તેમણે નૂતન જિનમંદિર તેમજ શ્રી મદ્ રાજચંદ્ર હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. પુજ્ય મોરારિબાપુએ રાજચંદ્ર હોસ્પિટલની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે, આ એક આરોગ્ય મંદિર છે. જેના મેં દર્શન કર્યા છે. અહિંયા દવા તો કામ કરશે જ સાથે શ્રી મદ્જીની દુઆ વધુ કામ કરશે.

શ્રીમદ્ રાજચંદ્ર એક જૈન કવિ, અધ્યાત્મમૂર્તિ, તત્ત્વજ્ઞ અને વિદ્વાન હતા 

શ્રીમદ્ રાજચંદ્ર એક જૈન કવિ, અધ્યાત્મમૂર્તિ, તત્ત્વજ્ઞ, વિદ્વાન અને સમાજસુધારક હતા. તેમનો જન્મ મોરબી નજીકના વવાણિયા ગામમાં થયો હતો. માત્ર સાત વર્ષની ઉંમરે પૂર્વ ભવોને સ્મરણમાં લાવવારૂપ જાતિસ્મરણ થયાનો ઉલ્લેખ તેમણે પોતે કર્યો છે. એકી સાથે બનતી અનેક ક્રિયાઓમાં ભાગ લેવો, સતેજ સ્મૃતિ અને પ્રસંગે ક્રમાનુબદ્ધ સ્મરણ થવારૂપ શતાવધાનના પ્રયોગો તેમણે જાહેરમાં સફળતાપૂર્વક કર્યા, જેના પરિણામે તેમને અત્યંત લોકપ્રિયતા મળી. પરંતુ પોતાની આધ્યાત્મિક સાધનામાં અવરોધક જણાતાં તે અવધાનપ્રયોગોને તેમણે તિલાંજલિ આપી. તેમણે અનેક તત્ત્વજ્ઞાનસભર કાવ્યોની રચના કરી છે. તેમણે ઘણા પત્રો અને વિવેચનો લખ્યાં છે તેમજ કેટલાક ધાર્મિક ગ્રંથોનો અનુવાદ પણ કર્યો છે.