રજનીકુમાર પંડ્યાનાં આત્મકથાત્મક સંભારણાં ‘ઝંઝાવાત’નું પ્રકાશન

અમદાવાદ: સુપ્રસિધ્ધ લેખક અને ચિત્રલેખા પરિવારના સભ્ય એવા રજનીકુમાર પંડ્યાનાં આત્મકથાત્મક સંભારણાંના પુસ્તક ‘ઝંઝાવાત’નો વિમોચન સમારોહ અમદાવાદ ખાતે યોજાઇ ગયો.‘સાર્થક પ્રકાશન’ આયોજિત આ સમારોહમાં રજનીકુમાર પંડ્યાના 65 વર્ષ જૂના મિત્ર અને વિખ્યાત હાસ્યકાર રતિલાલ બોરીસાગરે યાદ કર્યું હતું કે તેમની, રજનીકુમારની અને રમેશ પારેખની દોસ્તી થઈ ત્યારે રમેશ પારેખે કવિતા અને તેમણે હાસ્યલેખો લખવાની શરૂઆત કરી ન હતી. એ ત્રણે ત્યારે વાર્તાઓ લખતા હતા. તેમાંથી રજનીકુમાર ઉત્તમ વાર્તાકાર તરીકે બહાર આવ્યા. તે સમયે પ્રગટ થયેલા વાર્તાના એક સંપાદન ‘લાગ્યો કસુંબીનો રંગ’માં રજનીકુમારની સાથે રતિલાલ બોરીસાગરની વાર્તા પણ સ્પર્ધામાં પસંદ થઈને છપાઈ હતી. રજનીકુમારના જીવનના અંગત ચઢાવઉતારમાં પણ તે સક્રિય પાત્ર તરીકે રહ્યા હતા, જેની વિગતો ‘ઝંઝાવાત’માં સામેલ છે.

વાર્તાકાર-સંપાદક કિરીટ દૂધાતે રજનીકુમાર પંડ્યાની ગુજરાતી સાહિત્યસંસ્થાનો અને વિવેચકો દ્વારા થયેલી ઉપેક્ષાની વાત માર્મિક રીતે કરીને તેમની વાર્તાકળાનું થોડું વિશ્લેષણ કર્યું હતું. તેમની, મહંમદ માંકડની અને નાનાભાઈ જેબલિયાની વાર્તાઓને તેમણે ફ્રેન્ચ કુળની ગણાવી હતી. તેમણે રજનીકુમારની કેટલીક વાર્તાઓનાં શીર્ષકનો ઉલ્લેખ કરીને એ વાર્તાઓ સદાકાળ ટકે એવી ગણાવી હતી અને ક્હયું હતું કે આવી રીતે બીજા લોકો તેમની ગમતી વાર્તાઓની યાદી બનાવી શકે.

જેમના આત્મકથાત્મક લેખોનો અંગ્રેજી અનુવાદ ‘હોમ્સ વિધાઉટ વિન્ડોઝ’ આજકાલ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં છે એવા ચંદુભાઈ મહેરિયાએ રજનીકુમાર સાથેના અલ્પ પરિચય છતાં તેમની મદદરૂપ થવાની પ્રકૃતિને યાદ કરીને, ‘ઝંઝાવાત’ વિશે થોડી વાત કરી હતી. 81મા વર્ષે શરૂ થઈને 87મા વર્ષે, મૃત્યુના થોડા દિવસ પહેલાં પૂરા થયેલા આ પુસ્તકને તેમણે તેના લખાણની ગુણવત્તાની રીતે પણ મહત્ત્વનું ગણાવ્યું હતું.રજનીકુમાર સાથે ગાઢ રીતે સંકળાયેલા ચરિત્રકાર-અનુવાદક બીરેન કોઠારીએ રજનીકુમારના પ્રિય રસ એવા ફિલ્મસંગીત વિશે તેમના પુસ્તક ‘આપકી પરછાઇયાં’ની કેટલીક વિશિષ્ટતાઓ ચીંધી બતાવી હતી.

રજનીકુમારનાં દીકરા-જમાઈ-દોહિત્રી તર્જની-ચિરાગ-અનુશ્રીની મંચ પર ઉપસ્થિતિમા આ પુસ્તક ખુલ્લું મુકાયું હતું. સાર્થક પ્રકાશન વતી ઉર્વીશ કોઠારીએ કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી અને સમાપન કર્યું હતું.

6 જુલાઇ 1938ના રોજ જન્મેલા રજનીકુમારના નાટકીયતાથી ભરપૂર જીવનનાં 1957થી 1981 સુધીનાં 25 વર્ષની રોમાંચક કથા આ પુસ્તકમાં સમાવિષ્ટ છે. તેમના મિત્રો વસંત દેસાઈ, વીનેશ પટેલ અને નટુભાઈ અંબાણી સાથેની દોસ્તીના વિવિધ પડાવોનું પણ આલેખન છે. ઉલ્લેખનીય છે કે, અર્ધવાર્ષિક સામયિક ‘સાર્થક જલસો’માં પ્રગટ થયેલાં રજનીકુમાર પંડ્યાના 11 જેટલાં પ્રકરણ અને 376 પાનાં અને 16 પાનાંમાં તસવીરો ધરાવતા પુસ્તકનાં 11 પ્રકરણ થયાં હતાં. પછીનાં સાત-આઠ પ્રકરણ જેટલું લખાણ તેમણે બીમારી પછીની અવસ્થામાં, ગુણવત્તામાં જરાય બાંધછોડ વિના, મોબાઇલ ફોન પર ટાઇપ કરીને લખ્યું અને 15 માર્ચ 2025ના રોજ તેમનું અવસાન થયું, તેના થોડા દિવસ પહેલાં પૂરું કર્યું હતું. આ બધી સામગ્રી ‘ઝંઝાવાત’ માં સમાઇ લેવાઇ છે, જેથી રજનીકુમાર પંડ્યાના ચાહકો-વાચકોને એકસાથે એનો લાભ મળી શકે.