ચાંગા: ચારુસેટ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર દેવાંશી દલાલે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેઓએ કેનેડામાં આયોજિત 39મી વર્લ્ડ ઓપ્થેલ્મોલોજી કોંગ્રેસમાં ‘એટ્રોપાઈન ફોર માયોપિયા કંટ્રોલ’ વિશે રિસર્ચ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. પ્રોફેસર દેવાંશી દલાલ ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પેરામેડિકલ સાયન્સિસ (BDIPS)ના ઓપ્ટોમેટ્રી વિભાગ સાથે જોડાયેલા છે. વર્લ્ડ ઓપ્થેલ્મોલોજી કોંગ્રેસમાં ગુજરાતમાંથી એકમાત્ર દેવાંશી દલાલે ભાગ લઇ ચારુસેટનું વર્લ્ડ લેવલે પ્રતિનિધિત્વ કર્યું હતું.કેનેડાના વાનકુવર સિટીમાં 16 થી 19 ઓગસ્ટ એમ 4 દિવસ દરમિયાન ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર ઓપ્થેલ્મોલોજી દ્વારા વર્લ્ડ ઓપ્થેલ્મોલોજી કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુનિયાના વિવિધ દેશોમાંથી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પ્રોફેસર દેવાંશી દલાલે કંટીન્યુઈન્ગ મેડીકલ એજ્યુકેશન, નેટવર્કીંગ, રિસર્ચ પોઈન્ટ ઓફ વ્યુથી ભાગ લીધો હતો અને માયોપિયા વિશે પોસ્ટર પ્રેઝન્ટેશન કર્યું હતું. માયોપિયામાં પ્રોગ્રેસ ઘટાડવા માટે જે દવાનો ઉપયોગ કરવામાં આવે છે તે કેટલી અસરકારક છે અને તેની દ્રષ્ટિ સંબંધિત બીજી કોઈ આડઅસર થાય છે કે નહિ તેના વિશે સંશોધન કરી દેવાંશી દલાલે પોસ્ટરમાં દર્શાવ્યું હતુ.