મેક્સિકોમાં વિમાન દુર્ઘટનામાં 7ના મોત, ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન અકસ્માત

મેક્સિકો: સોમવારે અહીં એક નાનું ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હતા. વિમાન ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સૈન માટેઓ એન્ટેકો વિસ્તારમાં થઈ હતી, જે ટોલુકા એરપોર્ટથી આશરે 5 કિલોમીટર અને રાજધાની મેક્સિકો સિટીથી લગભગ 50 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે.માહિતી અનુસાર, આ વિમાન મેક્સિકોના પ્રશાંત તટથી અકાપુલ્કોથી ઉડાન ભરી રહ્યું હતું. મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શન કોઑર્ડિનેટર એડ્રિયન હર્નાંડેઝે જણાવ્યું કે, ‘વિમાનમાં આઠ મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. અત્યાર સુધી સાત મૃતદેહો મળી આવ્યા છે, હજુ તપાસ અને રેસ્ક્યુની કામગીરી શરૂ છે.’

શું હતું અકસ્માતનું કારણ?

શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું છે કે, પાઇલટ વિમાનને એક ફૂટબોલ મેદાન પર ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ, વિમાન પાસેની એક ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગની મેટલ છતથી અથડાઇ ગયું હતું. ટક્કરની તુરંત બાદ ભીષણ આગ લાગી ગઈ, જેનાથી સ્થિતિ ગંભીર થઈ ગઈ.

પ્લેન ક્રેશ બાદ શું થયું?

સૈન માટેઓ એન્ટેકોના મેયર આના મુનિજે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, આગના કારણે આસપાસથી આશરે 130 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ અને રેસ્ક્યૂ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. તેઓ તપાસ કરી રહ્યા છે કે, વિમાનને શા માટે ઇમરજન્સી લેન્ડિંગની જરૂર પડી અને શું આ અકસ્માત ટેક્નિકલ ખામી, હવામાન કે માનવીય ભૂલને કારણે થયો હતો. તપાસ પૂર્ણ થયા પછી જ મૃતકોની ઓળખ અને અકસ્માતનું ચોક્કસ કારણ નક્કી કરવામાં આવશે.