દિગ્ગજ અભિનેતા મનોજ કુમારના નિધન પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી: મનોજ કુમારના નિધન પર પીએમ નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મિડીયા પર લખ્યું: ‘મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારના નિધનથી ખૂબ દુઃખ થયું. તેઓ ભારતીય સિનેમાના એક પ્રતિક હતા જેમને ખાસ કરીને તેમના દેશભક્તિના ઉત્સાહ માટે યાદ કરવામાં આવશે. તેમની ફિલ્મોમાં દેશભક્તિ પ્રતિબિંબિત થતી હતી. તેમના કાર્યોએ રાષ્ટ્રીય ગૌરવની ભાવના વધારી છે. તેઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.

અશોક પંડિતે શું કહ્યું?

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા મનોજ કુમાર અમારા પ્રેરણાસ્ત્રોત અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના સિંહ હતા. તે હવે આપણી વચ્ચે નથી. આ આપણા સમગ્ર ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. આપણે હંમેશા તેમને યાદ રાખીશું.

ફિલ્મ જગતને અલવિદા કહ્યું

1995માં આવેલી ફિલ્મ ‘મૈદાન-એ-જંગ’માં કામ કર્યા પછી મનોજ કુમારે અભિનય છોડી દીધો. 1999માં, તેમણે તેમના પુત્ર કુણાલ ગોસ્વામીને ‘જય હિંદ’ ફિલ્મમાં દિગ્દર્શિત કર્યા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ફિલ્મોમાંથી નિવૃત્તિ લીધા પછી, મનોજ કુમારે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ 2004માં ભાજપમાં જોડાયા હતા.

મનોજ કુમારને શ્રદ્ધાંજલિ.