પ્રમુખ સ્વામી મારા માટે પિતાતુલ્ય સમાન: PM મોદી

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે. તથા વડાપ્રધાને પ્રમુખ સ્વામી મહારાજની ચરણ વંદના કરી કાર્યક્રમમાં ભાગ લીધો છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પ્રસંગે સંબોધન કરતા PM મોદીએ જણાવ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દિવ્યતાની અનુભૂતિ થઇ છે.

મારું સૌભાગ્ય છે કે હું આ કાર્યક્રમમાં સહભાગી થયો

આ સમગ્ર પ્રકલ્પના વિચાર અને આયોજન કરનાર તમામને હું અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમ આવનારી પેઢીઓને પ્રેરિત કરશે સાથે સાથે સમગ્ર દુનિયાને આકર્ષિત અને ભારતીય સંસ્કૃતિની ઝલક બતાવશે. કારણ કે અહિયાં સમગ્ર ભારતના દરેક રંગના દર્શન થાય છે. આ સમગ્ર પરિસરમાં દિવ્યતાની અનુભૂતિ થાય છે. મારું સૌભાગ્ય છે કે હું આ કાર્યક્રમમાં સહભાગી થયો. ભારતની સંત પરંપરા ખુબ જ પવિત્ર અને અજોડ છે. ભારતીય સંતોએ હંમેશા વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાકાર કરવાનો પ્રયત્નો કર્યો છે.

પ્રમુખ સ્વામી ખરેખર એક ક્રાંતિકારી સંત હતા

વડાપ્રધાને પ્રમુખ સ્વામી મહારાજ સાથેની પહેલી મુલાકાત અંગે જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ મારા પિતા તુલ્ય છે, બાલ્યવ્યસ્થામાં પણ પ્રમુખ સ્વામીના દૂરથી દર્શન કરવાનું સારૂ લાગતું હતું પરંતુ નજીકથી દર્શન થશે એવું વિચાર્યું ન હતું. પરંતુ પહેલી વખત મુલાકાત થઈ ત્યારે તેમના એક એક શબ્દ મારા હર્દયમાં ઉતરતા ગયાં.

હું જ્યારે પ્રમુખ સ્વામીજીને મળ્યો ત્યારે તેમણે ધર્મ, ભગવાન કે આધ્યાત્મની વાતો કરવાને બદલે માનવતાની જ વાતો કરી હતી. પ્રમુખ સ્વામી હંમેશા માનવતાના રસ્તે જ ચાલ્યા હતા. પ્રમુખ સ્વામી ખરેખર એક ક્રાંતિકારી સંત હતા. પ્રમુખ સ્વામી મારા માટે પિતાતુલ્ય સમાન છે. મેં હંમેશા તેમણે દર્શાવેલા રસ્તા ઉપર ચાલવાનો પ્રયત્ન કર્યો છે. આજે સ્વામીજી જ્યાં હશે ત્યાંથી તેઓ જોઈ રહ્યા હશે કે આજે પણ હું તેમના સુચવેલા રસ્તા પર જ ચાલી રહ્યો છું.