બંગાળમાં સત્તા ગુમાવતા જ મમતા બેનર્જીની TMCમાં ભંગાણના સંકેત?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં મોટા ભંગાણની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બુધવારે યોજાયેલા પાર્ટીના પ્રથમ મોટા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાંથી મોટી સંખ્યામાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા, જેને કારણે બંગાળના રાજકીય ગલીયારાઓમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજ્યની સત્તા પર સતત 15 વર્ષ સુધી રાજ કર્યા બાદ વિપક્ષની બેંચ પર ધકેલાઈ ગયેલી TMC માટે આ પ્રથમ મોટું અને સંગઠિત આંદોલન હતું. ચૂંટણી પછીની હિંસા અને ફેરીવાલાઓને હટાવવાના અભિયાન વિરૂદ્ધ TMC ધારાસભ્યોના એક જૂથે વિધાનસભા પરિસરમાં આંબેડકર પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન કર્યું હતું. આ ધરણામાં શોભનદેવ ચટ્ટોપાધ્યાય, નયના બેનર્જી, કુણાલ ઘોષ અને ઋતબ્રત બેનર્જી જેવા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

80માંથી માત્ર 35 ધારાસભ્યો જ પહોંચ્યા: ભંગાણની અટકળો

જોકે, આ આંદોલન દરમિયાન ચિંતાજનક બાબત એ સામે આવી કે પાર્ટીના કુલ 80 ધારાસભ્યોમાંથી માત્ર 35 ધારાસભ્યો જ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. અડધાથી વધુ ધારાસભ્યોની ગેરહાજરી એવા સમયે સામે આવી છે જ્યારે પાર્ટી ચૂંટણીના આંચકામાંથી બહાર આવીને પોતાને ફરીથી સંગઠિત કરવા માટે સંઘર્ષ કરી રહી છે. આ ઘટનાથી સંગઠનની અંદર મોટી તિરાડ હોવાની આશંકાઓને બળ મળ્યું છે. જોકે, આ આંતરિક કલહની વાતોને નકારતા TMCના વરિષ્ઠ ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાયે બચાવ કર્યો હતો. તેમણે ધારાસભ્યોની ગેરહાજરી પાછળ ભૌગોલિક મુશ્કેલીઓ અને સંગઠનાત્મક જવાબદારીઓનું બહાનું કાઢ્યું હતું. તેમણે ન્યૂઝ એજન્સી PTI સાથે વાત કરતા જણાવ્યું કે, “આજના કાર્યક્રમમાં આશરે 35 ધારાસભ્યો હાજર હતા. ચૂંટણી પછી જે વિસ્તારોમાં હિંસા થઈ છે ત્યાં ધારાસભ્યો પોતાના સ્થાનિક કાર્યકરોની મદદમાં વ્યસ્ત હોવાથી આવી શક્યા નથી. આ ઉપરાંત આ કાર્યક્રમ માત્ર 1 દિવસની નોટિસ પર રાખવામાં આવ્યો હતો, તેથી દૂર-દરાજ વિસ્તારમાં રહેતા ધારાસભ્યો માટે તાત્કાલિક પહોંચવું મુશ્કેલ હતું.

કાલીઘાટની બેઠકમાં નેતૃત્વ સામે ફૂટ્યો હતો આક્રોશ

બુધવારના વિરોધ પ્રદર્શનમાં જોવા મળેલી આ પાંખી હાજરી એટલા માટે વધુ મહત્વની માનવામાં આવે છે કારણ કે તેના ઠીક 1 દિવસ પહેલા મંગળવારે કલકત્તાના કાલીઘાટમાં એક હાઈ-લેવલ બેઠક મળી હતી. પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તે બેઠકમાં જ સંગઠનની અંદરની નારાજગી સામે આવી ગઈ હતી. કેટલાક ધારાસભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, TMC માત્ર બંધ બારણે રણનીતિઓ ઘડીને પોતાની જૂની તાકાત પાછી મેળવી શકશે નહીં. તેના માટે જમીની સ્તર પર જઈને જનતા સાથે ફરીથી જોડાવું પડશે.

પાર્ટીના સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, મંગળવારની બેઠકમાં પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પણ હાજર હતા. આ બેઠકમાં કેટલાક ધારાસભ્યોએ ચૂંટણી હાર્યા બાદ જનતાની વચ્ચે જઈને ‘રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન’ ન કરવા બદલ હાઈકમાન્ડની શૈલી સામે ચિંતા અને નારાજગી વ્યક્ત કરી હતી. ધારાસભ્યોનું માનવું છે કે, બંધ રૂમમાં બેઠકો કરવાથી જે રાજકીય જમીન પક્ષે ગુમાવી દીધી છે તે ક્યારેય પાછી મેળવી શકાશે નહીં.

વિપક્ષ તરીકે અસ્તિત્વ ટકાવી રાખવાનો મોટો પડકાર

રાજકીય વિશ્લેષકોના મતે, ચૂંટણીમાં હાર બાદ કોઈપણ પક્ષ માટે પોતાના નેતાઓને એકજૂથ રાખવા અઘરા હોય છે. 15 વર્ષ સુધી સત્તા ભોગવ્યા બાદ હવે વિપક્ષમાં બેસવું ટીએમસીના ઘણા નેતાઓ પચાવી શકતા નથી. જો મમતા બેનર્જી વહેલી તકે આ નારાજગી દૂર નહીં કરે, તો આગામી દિવસોમાં તૃણમૂલ કોંગ્રેસમાં મોટું ભંગાણ ચોક્કસ જોવા મળી શકે છે.