અમદાવાદ: શહેરના દૂધેશ્વર વિસ્તારમાં મોદીની ચાલી અને મહાકાળી મંદિર નજીક આવેલી ધર્મી સોસાયટીમાં ત્રણ માળની જર્જરિત રહેણાંક ઈમારતનો એક હિસ્સો મંગળવારે ધરાશાયી થઈ ગયો હતો. આ અંગે અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસને કૉલ મળતા જ બચાવ કાર્ય શરૂ કરાયું હતું.
આ ઈમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર સિવાય અન્ય ત્રણ માળ આવેલા હતા. જેના ત્રીજા માળે પતરાંનો શેડ આવેલો હતો, જેમાં તિરાડો પણ પડી ગઈ હતી અને બાંધકામ પણ નબળું પડી ગયું હતું. છેવટે આ ઘટનામાં અગાશી અને સીડીનો ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે બીજા માળનો હિસ્સો પણ તૂટ્યો હતો. સદનસીબે, ફાયર બ્રિગેડે અહીં રહેતા તમામ લોકોને ઝડપથી નીચે ઉતારી દેતા કોઈ જાનહાનિ થઈ ન હતી.
શાહપુર ફાયર સ્ટેશનના ઓફિસર અનુસાર, અમે જોખમી ઈમારતમાંથી 16 લોકોને તાત્કાલિક બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા હતા. આ ઈમારત લાંબા સમયથી નાજુક સ્થિતિમાં હતી. સ્થાનિક સત્તાધિકારીઓને પણ આ જોખમ વિશે સૂચના અપાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ઈમારતના બાકીના ભાગનું પણ નિરીક્ષણ કરીને તેને તોડી પાડવાનું કામ શરૂ કરી શકે છે. ખાસ કરીને ચોમાસું બેસી ગયું હોવાથી શહેરની તમામ જૂની ઈમારતોમાં રહેતા લોકોને સ્થાનિક વોર્ડ ઓફિસોમાં જાણ કરવા વિનંતી કરી છે.
