નવી દિલ્હીઃ દિવાળી નજીક આવતાં જ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઝડપી રીતે વધવા લાગ્યું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) મુજબ શનિવારે સવારે અક્ષરધામ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 230 નોંધાયો હતો, જે ‘ખરાબ’ શ્રેણીમાં આવે છે. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ અને બરાપુલા બ્રિજ આસપાસ AQI 252 સુધી પહોંચી ગયો છે.
દિલ્હી-NCRનાં શહેરોમાં સ્થિતિ હજી ખરાબ છે. ગાઝિયાબાદમાં AQI 306 નોંધાયો, જે ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં છે અને તે દેશનું સૌથી વધુ પ્રદૂષિત શહેર બની ગયું છે. નોઇડામાં 278 અને ગુરુગ્રામમાં 266 AQI નોંધાયો, જ્યારે ફરીદાબાદમાં 105 રહ્યો, જે ‘મધ્યમ’ શ્રેણીમાં છે.
દિલ્હીના 38 મોનિટરિંગ સ્ટેશનોમાંથી પાંચ સ્થળોએ હવાની ગુણવત્તા ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં જોવા મળી હતી. આનંદ વિહારમાં સૌથી વધુ AQI 382 રહ્યો, જ્યારે વઝીરપુર (351), જહાંગીરપુરિ (342), બવાનાં (315) અને સિરિ ફોર્ટ (309)માં હવા ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. CPCBના જણાવ્યા મુજબ 14 ઓક્ટોબરથી દિલ્હીની હવા સતત ખરાબ થઈ રહી છે. AQI 201થી 300 સુધી ‘ખરાબ’ અને 301થી 400 સુધી ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં ગણાય છે. તેથી પ્રશાસને લોકોને બહાર ન નીકળવાની અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે દિલ્હીનું લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતાં 1.2 ડિગ્રી ઓછું હતું. સવારે 8:30 વાગ્યે ભેજનું પ્રમાણ 74 ટકા હતું.
વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ પ્રદૂષણથી ફક્ત આંખોમાં જલન કે શ્વાસ લેવામાં તકલીફ જ થતી નથી, પણ તે ધીમે-ધીમે બ્લડ પ્રેશર વધારતું જાય છે અને હાર્ટ તેમ જ મગજ પર પણ ખરાબ અસર પાડે છે. પલ્મોનોલોજિસ્ટ અને વૈજ્ઞાનિક ડૉ. અનુરાગ અગ્રવાલના જણાવ્યા મુજબ આટલા ઊંચા પ્રદૂષણ સ્તર પર લગભગ દરેક વ્યક્તિનું બ્લડ પ્રેશર વધી જાય છે. જેમને હાઇ બ્લડ પ્રેશર અથવા હૃદયની તકલીફ છે, તેમને ખાસ જોખમ રહે છે.
