આતંકવાદી હુમલા બાદ સાઉદી અરેબિયાથી PM મોદીના નિર્દેશ

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ, સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું. પ્રધાનમંત્રીએ ગૃહમંત્રીને પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા જણાવ્યું છે. આ દરમિયાન, અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, સીઆરપીએફ ડીજી, જમ્મુ અને કાશ્મીર ડીજીપી અને સેનાના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી. બેઠક બાદ શાહે કહ્યું કે આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં. અમિત શાહ BSFના ખાસ હેલિકોપ્ટરમાં શ્રીનગર જવા રવાના થયા છે. ત્યાં પહોંચ્યા પછી, તેઓ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરશે, જેમાં સીએમ અબ્દુલ્લા પણ ભાગ લેશે.

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામ નજીક મંગળવારે થયેલા શંકાસ્પદ આતંકવાદી હુમલામાં એક પ્રવાસીનું મોત થયું હતું અને 12 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો જ્યારે તેઓ ઘોડા પર સવાર હતા. આ હુમલામાં કેટલાક ઘોડાઓ પણ ઘાયલ થયા છે. આતંકવાદી સંગઠન TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું આતંકવાદી સંગઠન છે.

ઓમર અબ્દુલ્લાએ કડક નિંદા કરી

તમામ પક્ષોના નેતાઓએ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલી ગોળીબારની ઘટનાની સખત નિંદા કરી છે અને તેને પ્રદેશની શાંતિ અને પર્યટન ક્ષેત્ર પર હુમલો ગણાવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી અને કહ્યું કે તે ઘૃણાસ્પદ છે. તેમણે કહ્યું કે ગુનેગારો “પ્રાણીઓ, અમાનવીય અને નફરતને પાત્ર” હતા. “મને ખૂબ જ આઘાત લાગ્યો છે. અમારા મુલાકાતીઓ પરનો આ હુમલો ઘૃણાસ્પદ છે. આ હુમલાના ગુનેગારો પ્રાણીઓ છે, અમાનવીય અને ઘૃણાસ્પદ છે. નિંદા કરવા માટે કોઈ શબ્દો પૂરતા નથી. હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના પાઠવું છું,” તેમણે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું.

બૈસરન ખીણમાં હુમલો

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલો બૈસરન ખીણમાં થયો હતો, જ્યાં ફક્ત પગપાળા અથવા ખચ્ચર દ્વારા જ પહોંચી શકાય છે. આજે સવારે પ્રવાસીઓનું એક જૂથ ત્યાં મુલાકાત માટે ગયું હતું. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, અજાણ્યા હુમલાખોરોએ નજીકથી પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, જેમાં ઘણા પ્રવાસીઓ ઘાયલ થયા. હુમલા સમયે ઘટનાસ્થળે હાજર એક મહિલાએ જણાવ્યું હતું કે, “મારા પતિને માથામાં ગોળી વાગી હતી, જ્યારે હુમલામાં સાત અન્ય લોકો પણ ઘાયલ થયા હતા.”