અમેરિકા જશે PM મોદીઃ ટ્રમ્પ સાથે પણ મુલાકાતની શક્યતા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અમેરિકાની મુલાકાતે જશે. તેમના આ પ્રવાસનો હેતુ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપવાનો છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પરથી વિશ્વને સંબોધિત પણ કરશે, પરંતુ સવાલ એ છે કે અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ટેરિફ વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે કે નહીં. પીએમ મોદીની આ સંભવિત મુલાકાતમાં વેપારી મુદ્દાઓ ઉકેલવાથી લઈને એક ટેરિફ પર સહમતી સાધવી મહત્વપૂર્ણ રહેશે.

ભારત અને અમેરિકા વચ્ચેનો ટેરિફ વિવાદ ઉકેલવામાં અનેક પરિબળો મહત્વની ભૂમિકા ભજવશે. તેમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને બીજું ભારત-અમેરિકા વેપારી કરારનો સમાવેશ થાય છે. રશિયા-યુક્રેન યુદ્ધના મોરચાની વાત કરીએ તો ભારતની નજર 15 ઓગસ્ટે થનારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની મુલાકાત પર રહેશે.

ટ્રમ્પ અને પુટિન વચ્ચેની મુલાકાત પહેલાં જ પીએમ મોદીએ વ્લાદિમિર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર ઝેલેન્સ્કી સાથે વાત કરી છે. ભારતે બંને દેશોના નેતાઓને સ્પષ્ટ કહી દીધું છે કે સંઘર્ષનું સમાધાન જ ભારતના હિતમાં છે. વેપારી કરારને મુદ્દે વાત કરીએ તો ભારતીય અને અમેરિકન વાટાઘાટકર્તાઓ કરાર પર પહોંચવા નજીક હતા, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વાટાઘાટકર્તાઓ વચ્ચે થયેલા કરારથી ખુશ નહોતા.

બંને પક્ષો દ્વિપક્ષી વેપારના નવા લક્ષ્ય, એટલે કે મિશન 500 પર કેન્દ્રિત છે, જેનું લક્ષ્ય 2030 સુધી કુલ દ્વિપક્ષી વેપારને બમણાથી વધુ વધારીને 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનું છે.