‘અમેરિકી દબાણ સામે પીએમ મોદીએ ફરી સરન્ડર કર્યું…’ : રાહુલ ગાંધી

કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા યુપીઆઈ (UPI) અને રૂપે (RuPay) ડેબિટ કાર્ડ પેમેન્ટને લઈને જાહેર કરવામાં આવેલા તાજેતરના નોટિફિકેશન બાદ દેશમાં નવો રાજકીય ગરમાવો આવી ગયો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે મોદી સરકાર યુપીઆઈ ચૂકવણી પર ફી વસૂલવાનો છૂપો રસ્તો બનાવી રહી છે.

શું છે સમગ્ર વિવાદ?

નાણાં મંત્રાલયે બેંકો અને પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર્સ માટે આદેશ જાહેર કર્યો હતો કે રૂ. ૨,૦૦૦ સુધીના યુપીઆઈ અને રૂપે ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. જોકે, રૂ. ૨,૦૦૦ થી વધુના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે કે નહીં તે અંગે મંત્રાલયે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ અસ્પષ્ટતાને કારણે જ વેપારીઓ અને વિપક્ષમાં શંકાઓ ઊભી થઈ છે. અત્યાર સુધી ભારતમાં તમામ પ્રકારના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઝીરો-એમડીઆર (Zero-MDR) નીતિ હેઠળ સંપૂર્ણપણે મફત રહ્યા છે.

રાહુલ ગાંધીના ગંભીર આરોપો

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે રૂ. ૨,૦૦૦ થી વધુના મર્ચેન્ટ ટ્રાન્ઝેક્શનની સંખ્યા ભલે ૫% હોય, પરંતુ કુલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં તેનો હિસ્સો ૬૫% જેટલો મોટો છે. તેમણે ઉમેર્યું કે, “સરકાર ભલે એવો દાવો કરે કે ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, પરંતુ દુકાનદારો કે વેપારીઓ પર લાગતો આ ચાર્જ અંતે તો ચીજવસ્તુઓની કિંમતો વધારીને ગ્રાહકોની ખિસ્સામાંથી જ વસૂલવામાં આવશે. અમેરિકી પેમેન્ટ કંપનીઓ લાંબા સમયથી ભારતની ઝીરો-એમડીઆર નીતિનો વિરોધ કરતી આવી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી કંપનીઓને ખુશ કરવા માટે પીએમ મોદીએ ફરી એકવાર અમેરિકી દબાણ સામે સરન્ડર કર્યું છે.”