આગામી 3 મહિનામાં દેશમાં ત્રાટકશે ૩ વિનાશક વાવાઝોડાં, 6 રાજ્યો એલર્ટ પર

હવામાનમાં થઈ રહેલા ઝડપી પરિવર્તન વચ્ચે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) એ દેશના તટીય રાજ્યો માટે મોટી ચેતવણી જાહેર કરી છે. ઈસરોના વૈજ્ઞાનિકોએ છેલ્લા ૪૦ વર્ષના વેધર પેટર્ન, પવનોની દિશા અને દરિયાઈ તાપમાનના ડેટાનો ગહન અભ્યાસ કર્યા બાદ સંકેત આપ્યા છે કે, ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૬ દરમિયાન બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ૩ શક્તિશાળી ઉષ્ણકટિબંધિય વાવાઝોડાં (Cyclones) આકાર લઈ શકે છે.

6 રાજ્યો પર સંકટના વાદળો

ઈસરોના અહેવાલ મુજબ, આ ચક્રવાતી વાવાઝોડાંની તીવ્રતા ભૂતકાળના 44 વર્ષના ઇતિહાસ કરતાં 83% વધુ હોવાની શક્યતા છે. આ વાવાઝોડાંની સૌથી વધુ અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ પર જોવા મળી શકે છે. આ ઉપરાંત દક્ષિણ અને પશ્ચિમ કિનારાના રાજ્યો જેવા કે તમિલનાડુ, કેરળ અને કર્ણાટક પણ તેની ઝપેટમાં આવી શકે છે. આ રાજ્યોમાં અતિભારે વરસાદ અને વિનાશક પવનો ફુંકાવાની સંભાવના છે.

કિનારા સાથે અથડાશે કે રસ્તો બદલશે?

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સમુદ્રમાં સર્જાતા દરેક ચક્રવાત જમીન (લેન્ડફોલ) સાથે જ અથડાય તે જરૂરી નથી હોતું. ઘણીવાર વાવાઝોડું સમુદ્રમાં જ દિશા બદલીને નબળું પડી જતું હોય છે. વાવાઝોડાની સાચી તાકાત અને ચોક્કસ રસ્તો તે સંપૂર્ણ રીતે સક્રિય થયા બાદ જ જાણી શકાય છે. જોકે, આ ભયાનક વાવાઝોડાંને કારણે સમુદ્રમાં ખૂબ જ ઊંચા મોજાં ઉછળશે, જેનાથી માછીમારો, કોસ્ટ ગાર્ડ અને શિપિંગ ક્ષેત્ર માટે મોટો જોખમી માહોલ સર્જાઈ શકે છે.

તંત્ર માટે પૂર્વ તૈયારીની મોટી તક

વાવાઝોડાના કારણે તટીય વિસ્તારોમાં પૂર, વીજળી અને વાહનવ્યવહાર ઠપ થવો તથા માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચવાની શક્યતા રહે છે. પરંતુ ઈસરોની આ અગાઉથી મળેલી ચેતવણીને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આગોતરું આયોજન કરવાનો સમય મળી ગયો છે. સંવેદનશીલ વિસ્તારોમાંથી નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર (Evacuation) કરવા માટે રાહત અને બચાવ ટીમોને અગાઉથી તૈનાત કરી શકાશે.